યામિની વ્યાસ ~ આંગળી પકડીને * Yamini Vyas

આંગળી પકડીને તારી ચાલવા દે,
મા ! મને તું આ જગતમાં આવવા દે
વંશનું તુજ બીજ તો ફણગાવવા દે,
ગોરમાની છાબ લીલી વાવવા દે.
તું પરીક્ષણ ભૃણનું શાને કરે છે ?
તારી આકૃતિ ફરી સરજાવવા દે.
ઢીંગલી, ઝાંઝર ને ચણિયાચોળી મહેંદી,
બાળપણના રંગ કંઇ છલકાવવા દે.
રાખડીની દોર કે ગરબાની તાળી,
ઝંખનાના દીપ તું પ્રગટાવવા દે.
વ્હાલની વેલી થઇ ઝૂલીશ દ્વારે,
આંગણે સંવેદના મહેકાવવા દે.
સાપનો ભારો નથી તુજ અંશ છું હું,
લાગણીના બંધનો બંધાવવા દે
~ યામિની વ્યાસ
પોતાના ગઝલસંગ્રહને ‘ફૂલ પર ઝાકળના પત્રો’ જેવાં નાજુક સંવેદનાત્મક શબ્દો આપનાર યામિની ગૌરાંગ વ્યાસની આ ગઝલ એક ન જન્મેલી બાળકીના ઉદગાર લઇને આવી છે. ભૃણહત્યાથી ખરડાયેલા ને દીકરીને સાપનો ભારો કે પથરો ગણતા સમાજમાં જ આવાં કાવ્યો સરજાઈ શકે.
માતાના પેટમાં રહેલી બાળકી માતાને વિનવે કે ‘મા, મને તું આ જગતમાં આવવા દે !!’ અને પુત્રીજન્મ પ્રત્યે સમાજની ક્રુર કલંક કથા ઉઘડે છે… આવા હૃદયસ્પર્શી શબ્દોથી એક ઘૃણાજનક સમસ્યાના મંડાણ કરીને પછી આખીયે વાતને નાની નાજુક દીકરીની સંવેદનાના દોરમાં ગુંથી લેવામાં આવી છે. કવિતાનું મૂળ સ્વરૂપ, સંવેદનાની છાલક – છંટકાવથી શબ્દો ભર્યા ભર્યા બની રહે છે. આખીયે ગઝલયાત્રા એક બાળકીના બાળવિશ્વને અને એના સંવેદના જગતને તાદૃશ્ય કરે છે.
ગઝલની ભાષા અને શબ્દ સંયોજનો વિષયને અનુરૂપ છે પણ વાત અજન્મા દીકરીના મુખમાં મુકાઇ છે. માની આંગળી પકડીને ચાલવાને ઉત્સુક નાનકડી દીકરીની ભોળી મીઠ્ઠી વાતથી જે શરુઆત છે, પછી સળંગ એવી જ નાજુક ને ભોલીભાલી બાની પ્રયોજી હોત તો આ ગઝલ વધુ ઉઠાવ પામી હોત. અને એટલે ‘તું પરીક્ષણ ભૃણનું શાને કરે છે?’ જરા ખૂંચે છે.
સંવેદનાસભર કાવ્ય. યામિનીબેન અભિનંદન.. આ જગતને ન જોઈ શકેલી તમામ અજન્મા બાળકીઓનું આ ગીત બની ગયું 💐💐💐
હજુય આટલા વર્ષો પછી સમાજ માં ઉત્થાન નો અભાવ લાગે છે. નારી વીણ નર ના નીપજે એ યથાર્થ છે છતાંય આવી સમસ્યા પર લખવું પડે એ વિટંબણા..આજીજી ભરી અપેક્ષા સંતોષવામાંઆપણે ઉણા ના ઉતરીએ તો સાર્થક લેખાશે
ખુબ સંવેદનશીલ રચના અને આસ્વાદ પણ ખુબ સરસ ભ્રુણ હત્યા નુ પાપ અત્યારે સમાજ ભોગવી રહ્યો છે છતાં આંખ ખુલતી નથી તે દુઃખદ છે ભગવાન સૌને સદબુધ્ધિ આપે
ભૃણહત્યા જેવો કાવ્યનો વિષય બને એ આપણા સમાજની વિટંબણા છે.
એક ન જન્મેલી દીકરીની હ્રદયદ્રાવક વિનંતી.
ખૂબ જ સરસ સંવેદનશીલ ગીત. મને ગર્વ છે કે મેં અને યામિનીબેને આ ગીત અમારા લોકપ્રિય નાટક જરા થોભો મા લીધું હતું અને આ ગીત આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગયું હતું એટલું જ નહીં પણ લોકો કોલર ટ્યુન તરીકે આ ગીતનો ઉપયોગ કરતા હતા ખૂબ ખૂબ અભિનંદન આ સરસ મજાનું સર્જન કરવા બદલ. લતા બેન આપનો પણ ખુબ ખુબ આભાર આ ગીતને પ્રસિદ્ધ કરવા બદલ
આભાર દિલીપભાઇ.