યોસેફ મેકવાન ~ નદીની છાતી પર * Yosef Mecwan

અને નદીની છાતી પર સૂરજનો હાથ
અને એ હાથમાંથી ફૂટે નગર.
અને એ નગરમાં ઊગે રેતીનું ઝાડ
અને એ રેતીના ઝાડમાં માછલીઓનો માળો
અને એ માછલીઓના માળામાં પરપોટાનાં ઇંડાં
અને એ પરપોટાનાં ઇંડાં ફૂટે ફટાક
અને એ … ય ફટાક્ સટાક્ કિનારા ચાલે બેય…
અને એ કિનારાના પગની પાની પલળે
અને એ પાનીમાંથી પવન ઝરે
અને એ પવનની લબાક્ લબાક્ લબકારા લેતી જીભ
અને એ લબકાર જીભથી પાણી છોલાય કુણાં કુણાં
અને એ કુણાં કુણાં પાણી પર નજર તરે
અને એ નજર તરે તરે ને હોડી થઇ જાય …
અને એ હોડી જાય … સૂનકાર ચિરાય …
અને ત્યાં અંધકાર ઊઘડે ઊઘડે ને બિડાય..
અને એ સમય પીગળતો ….. ગળતો … ળતો જાય
અને એમ નદીની છાતી પર એક નદી ઊગતી જાય …

~ યોસેફ મેકવાન

અછાંદસ કાવ્ય કે એને ગદ્યકાવ્ય પણ કહી શકાય ! ‘અને’ના આવર્તનો એક અજબ લયના વર્તુળો ફેલાવે છે ! અલબત્ત અછાંદસ કાવ્યમાં પણ સૂક્ષ્મ લય હોય જે પઠનમાં વર્તાય પણ અહીં જે લય પરોવાયેલો છે એ વિસ્મિત કરે છે…. તો સાથે સાથે આખાયે કાવ્યમાં જે પ્રતિકયોજના છે એ અચંબો પમાડે એવી છે. કવિએ કાવ્યમાં સમયને પાથરી-પ્રસારી દીધો છે, નવીન પ્રતિકોની રંગોળીમાં…

3 Responses

  1. Anonymous says:

    યોસેફ મેકવાનનું સુંદર કાવ્યમય પ્રતીકો સાથેનું કાવ્ય. 🌹🌹🌹🌹

  2. સુંદર કાવ્ય અને આસ્વાદ પણ અેટલોજ માણવા લાયક અભિનંદન

  3. 'સાજ' મેવાડા says:

    આવાં કાવ્યો સમજવાં અઘરાં હોય છે, ચાદ પણ ના રહે. આદરણીય કવિને વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: