હરીશ જસદણવાળા ~ આભ પણ * Harish Jasdanwala
વાંચી શકો તો આભ પણ વંચાય છે
ને એક દી ભાગ્ય પણ પલટાય છે.
વિદાય થઈ છે એક પીળાં પર્ણની
એ વેદના ના વૃક્ષથી વિસરાય છે.
મિત્રો ખરેખર જિંદગીની આંખથી
આંસુ ખરે ત્યારે ગઝલ સર્જાય છે.
એ લાલિમા છે મુખ પર રે શોભતી
સરકી જતી જો સાંજ પણ શરમાય છે.
જ્યાં સૂર્ય થોડાં તેજને છોડી ગયો
ત્યાં અંધકારે આગિયો દેખાય છે.
એ નીરમાં વમળો ઘણાં જોવા મળે
જો સ્થિર જળમાં કાંકરી ફેંકાય છે.
~ હરીશ જસદણવાળા
મત્લાનો શેર વાંચો તો કોઈ મોટીવેશનલ સ્પીચની વાત લાગે પણ જરા આગળ વધો એટલે બીજા શેરમાં કવિની સંવેદના સ્પર્શે.
‘જ્યાં સૂર્ય થોડાં તેજને છોડી ગયો, ત્યાં અંધકારે આગિયો દેખાય છે.’ આ શેર વધુ ગમ્યો.
સરળ અને સીધી હ્રદયને સ્પર્શતી ગઝલ
કવિની સહજતા એ ગઝલનું જમા પાસું છે.
કાવ્ય ખુબ ગમ્યું અભિનંદન
જિંદગીને વિવિધ રીતે જોવાની અને એની સંવેદનાની અભિવ્યક્તિ ગઝલમાં સરસ ઝીલાય છે.
“કાવ્યવિશ્વ ” થકી નવા, જૂના પ્રત્યેક કવિની કવિતાની પ્રસ્તુતિ સુંદર રીતે થતી જોવા મળી છે. અાજ બાબત “કાવ્યવિશ્વ ” ની ખરી વિષેશતા છે.
લતાબેન આપનો આભારી છું.
આનંદ વહેંચું છું હરીશભાઈ
સૌ મુલાકાતીઓનો આભાર