જયા મહેતા ~ મંજૂર નથી * Jaya Maheta

દીવાલોની પારનાં અજવાળાંને પામવાની

મથામણમાં

મારી ચીમની બુઝાવી નાખવી

મને મંજૂર નથી.

મને મંજૂર નથી

આ પાર કે તે પારની

સંતાકૂકડીની રમત

મારે માણવાં છે

આ પારની દુનિયાનાં બધાં સૂર્યોદય

બધાં સૂર્યાસ્ત

બધી આવનજાવન, દિવસ અને રાતની.

મારી નાનકડી ચીમનીની

જ્યોત નાનકડી

ટમટમતી

રાખવી છે મારે.

~ જયા મહેતા

આ કાવ્યને બે રીતે મૂલવી શકાય. એક દૃષ્ટિકોણ છે, જીવન પછીનું સ્વર્ગ મેળવવા આ જિંદગીને તરછોડવી. અને બીજો દૃષ્ટિકોણ છે, કાલ્પનિક સુખની પાછળ દોડવાને બદલે વાસ્તવિકતાને વધાવવી. જો વાત કાલ્પનિક સુખ એટલે કે મૃગજળની હોત તો ‘અજવાળાં’ શબ્દ ન વપરાયો હોત કેમ કે ‘દિવાલો પારનાં અજવાળાં’ કહીને અજવાળાંનાં અસ્તિત્વને સંમતિ તો આપી જ છે. જ્યારે મૃગજળને સંમતિ આપવાનો કોઇ સવાલ જ ન હોય!

નકારથી આરંભાતી હકારની આ કવિતા આ સંસારના જીવનને દૃઢપણે વધાવે છે. ‘દીવાલો પારનાં અજવાળાં’ – અહીં ‘અજવાળાં’ શબ્દ વાપર્યો છે એટલે કવિએ, ધર્મોએ બતાવેલ જીવન પછીની ગતિ – સ્વર્ગનું સુખ કે મોક્ષની કલ્પનાને નકારી નથી પણ એને ‘દીવાલની પાર’નું કહી એમાં પોતાની મર્યાદા જરૂર જાહેર કરી છે. એ સુખ હશે, અજવાળું હશે પણ એ દીવાલો પારનું છે. હું એને જાણતી નથી અને એટલે એ મારે કામનું નથી. સ્વર્ગ-નરક, કલ્પના હોય કે સત્ય, કોઇએ ત્યાંથી પાછાં આવીને એને પ્રમાણ્યાં નથી. કવિને વર્તમાનમાં વિશ્વાસ છે. એ અણજાણ દુનિયાને પામવા આ જીવનને શા માટે નકારવું ? કવિને એ મંજૂર નથી. નોંધપાત્ર એ છે કે પોતાની નામંજૂરી એણે મક્કમ રીતે શબ્દોમાં બેવડાવીને જાહેર કરી છે.

4 Responses

  1. આદરણીય લતાજી આપે ખૂબ સરસ રીતે કાવ્યનો આસ્વાદ કરાવ્યો છે.

  2. આપના આસ્વાદ થી કાવ્ય ખુબ માણવા લાયક બન્યું ખુબ ખુબ અભિનંદન સરસ મજાનું કાવ્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: