મનહર મોદી ~ તારો ચહેરો
તારો ચહેરો કરે છે વાત પછી ખબર પડી,
વાતાવરણની જેમ તું જ્યારે મૂંગી બની
સરખામણીની રીત સફળ શી રીતે થશે?
લાગે છે આપનાથી જુદી છાયા આપણી.
ત્યારે હળીમળીને રહું છું હું મારી સાથ
જ્યારે ન હોય મારી કને મારી હાજરી
મારો વિકાસ મારાથી આગળ વધી ગયો
પગલીઓ મારી મારાથી પાછળ રહી ગઈ
જાણીબૂઝીને સ્થિર ઊભી છે યુગો થકી
મારી વિચારભોમમાં કેવી છે આ નદી?
પાંખો હજી છે મારી બેય આંખને વિષે
ભ્રમણાની પરી આમ શી રીતે ઊડી ગઈ?
પૂછો મને તો હુંય બતાવી નહીં શકું
પહેલાં હતો હું ક્યાંક, પણ હમણાં કશે નથી.
~ મનહર મોદી
પ્રતિભાવો