બાલમુકુંદ દવે ~ અત્તરીયા

અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.
હાટડી પૂછીને કોક આવી ચડે તો એને
પૂમડું આલીને મન રીઝીએ…..

દિલની દિલાવરીનો કરીએ વેપાર,
ભલે છોગાની ખોટ ખમી લીજીએ.
ઊભે બજાર લોક આવે હજાર,
એની ઝાઝી ના પડપૂછ કીજીએ;
આપણને વહોરવા આવે, એને તે એલા
ગંધને રે બંધ બાંધી લીજીએ.

આઘેથી પગલાંને પરખી લઈએ ને
એના ઉરની આરતને પ્રીછીએ
માછીડો ગલ જેમ નાખે છે જલ એમ
નજરૂંની ડૂબકી દીજીએ
આછી આછી છાંટ જરી દઈએ છાંટી ને
એવો ફાયો સવાયો કરી દીજીએ
રૂંવે રૂંવે સૌરભની લેર્યું લહેરાય એવાં ઘટડામાં ઘેન ભરી દીજીએ

અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.

~ બાલમુકુન્દ દવે

આહાહાહાહા આવું મઘમઘતું ગીત, એની સુગંધનો કેફ ચડ્યો કેમ ઉતરે ?

કવિની આજે પૂણ્યતિથિ. વ્હાલભર્યા વંદન

*****

3 thoughts on “બાલમુકુંદ દવે ~ અત્તરીયા”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    મકરંદની જેમ બાલમુકુંદના કાવ્યોમાં પણ સ્વાત્માનંદ પ્રતીતિની મસ્તી દેખાય છે.

  2. કવિ શ્રી બાલમુકુન્દ દવે ની બંને કવિતાઓ સુંદર.
    “અત્તરના સોદા ન કીજીએ, અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.”
    અને “આપણે પ્રવાસી પારાવારના” પંક્તિઓ શિરમોર, અને કવિની ઓળખ સમા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *