કલાપી ~ હું જાઉં છું

હું જાઉં છું ! હું જાઉં છું ! ત્યાં આવશો કોઈ નહિ !
સો સો દિવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહિ !

ના આંસુથી, ના જુલ્મથી, ના વસ્લથી, ના બંધથી,
દિલ જે ઉઠ્યું રોકાય ના ! એ વાત છોડો કેદની !

સૌ ખુશ રહો જેમાં ખુશી ! હું જ્યાં ખુશી તે હું કરું !
‘શું એ હતું ? શું આ થયું ?’ એ પૂછશો કોઈ નહિ !

પેદા કર્યો’તો ઇશ્ક ત્યાં ના કોઈને પૂછ્યું હતું ;
એ ભૂંસવા જો છે ખુશી તો પૂછવું એ કૈં નથી.

આ ચશ્મ બુરજે છે ચડ્યું આલમ બધી નિહાળવા,
તે ચશ્મ પર પાટો તમે વીંટી હવે શકશો નહિ.

મારી કબર બાંધી અહીં ત્યાં કોઈને સુવારજો !
હું જ્યાં દટાઉં ત્યાં ફૂલોને વેરશો કોઈ નહિ !

શું પૂછવું ? શું બોલવું ? ખુશ છો અને રહેજો ખુશી !
વ્યર્થ આંસુ ખેરશો તો લૂછશે કોઈ નહિ.

~ કલાપી

*****

3 thoughts on “કલાપી ~ હું જાઉં છું”

  1. બંને ગઝલ અને કવિતામાં ખૂબ જ સરસ સંવેદન અભિવ્યક્ત થયું છે,
    “વ્યર્થ આંસુ ખેરશો તો લૂછશે કોઈ નહિ.”
    “ફુલ વીણ, સખે! ફુલ વીણ, સખે!
    હજુ તો ફુટતું જ પ્રભાત સખે!”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *