ભાગ્યેશ જ્હા ~ મીરાં * Bhagyesh Jaha

મેં તો ઝેરનો કટોરો સ્હેજ પીધો ને અંગ અંગ મીરાં ફૂટી.
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો ને ચાર- પાંચ રેખા ટૂટી.
મીરાંની આંખમાંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું,
મીરાંના તંબૂરથી તૂટેલા તાર મારા આંગણાનું બોલકણું તરણું;
રાણાને સંદેશો લખવા કલમ લઈ બેઠી ત્યાં સ્યાહી સ્હેજ ખૂટી.
રાધા બનીને સ્હેજ કહું છું હું કહાન ત્યાં તો પારધીએ તીર એક તાક્યું,
શબરીના બોરમાંથી કાંટાને કાઢતાં જીવનનું ઝાડ એક થાક્યું;
ગિરિધર નાગરને રીઝવવા નાચું ત્યાં ઘૂંઘરુની ગાંઠ એક છૂટી.
~ ભાગ્યેશ જ્હા
મીરાંની સંવેદના વાણીમાં વસી છે, શબ્દોમાં પ્રસરી છે, કવિતામાં કોળી છે….
મીરાંની આંખમાંથી સવાર ઝરણું બનીને વહે છે …. સુંદર કલ્પન
મીરાં એકલી મીરાં નથી, ક્યારેક રાધા તો ક્યારેક શબરી પણ ખરી….. વળી રાધાની અને શબરીની પ્રતીક્ષા સાથે માનવીના જીવનની પ્રતીક્ષાના સૂર મેળવી દીધા છે.
મૂળે તો પ્રભુ પ્રિયતમની રૂંવે રૂંવે ઝંખનાનું જ મૂર્ત સ્વરૂપ !
ભાગ્યેશ જહા સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🎂
ભાગ્યેશ ઝા સાહેબ ની સર્વાંગ સુંદર રચના કવિ શ્રી ને જન્મદિવસ ની વધાઈ
વાહ, સુંદર મીરાં, રાધા અને શબરીનાં પુરાતન પાત્રોનો વિનીયોગ થયો છે. જન્મ દિવસની શુભેચ્છાઓ આદરણીય જ્હા સાહેબને.
નરસિંહ અને મીરાં કાવ્ય જગતના શાશ્વત સંવેદન છે. ભાગ્યેશભાઇએ મીરાંની સંવેદનાને પચાવી જાણી છે.
મીરાં સાથે તન્મય થઈ ગવાતું ગીત