રાજેન્દ્ર શુક્લ ~ એક ને એક જ સ્થળે * અમર ભટ્ટ

એક ને એક જ સ્થળે મળિયે અમે,
હોઇયેં જ્યાં ત્યાં જ ઝળહળિયે અમે,

પિંડ ક્યાં પેટાવવા પળિયે અમે,
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયે અમે!

હેત દેખીને ભલે હળિયે અમે,
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયે અમે,

પાંચ ભેળા સાવ શેં ભળિયે અમે?
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયે અમે!

ઊભરાવું હોય તો શમવું પડે,
ઊગિયેં જો તો જ આથમવું પડે,

મેરું ચળતાયે નહીં ચળિયેં અમે,
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે!

કૈંક સમજ્યા ત્યારથી બેઠા છિયેં,
હાથમાં હુક્કો લઇ આ ઢોલિયે,

ક્યાંથી મળિયેં કો’કને ફળિયેં અમે?
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે!

શબ્દના દીવા બળે છે ડેલિયે,
આવતલ આવી મળે છે ડેલિયે,

સ્વપ્ન જેવું શીદ સળવળિયે અમે?
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયે અમે!

~ રાજેન્દ્ર શુક્લ

કાવ્ય : રાજેન્દ્ર શુક્લ * સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

5 thoughts on “રાજેન્દ્ર શુક્લ ~ એક ને એક જ સ્થળે * અમર ભટ્ટ”

  1. ઉમેશ જોષી

    ખૂબ સરસ રચના છે..એવો જ સ્વરભાવ મળેલ છે.

  2. અરવિંદ દવે, ગારિયાધાર

    વાહ…..
    કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની રચના હોય અને શ્રી અમર ભટ્ટનું સ્વરાંકન હોય….એમાંય કાવ્ય-વિશ્વ જેવું સ્રૉત હોય…ભાવકને તો ભયો ભયો….
    આભાર લતાબેન…..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *