હિમાંશુ વ્હોરા

હે ખુલ્લી જગાઓ,
તમે મને સતાવો નહીં
હું ફેક્ટરી નાખવાનો વિચાર કરું છું.

ઓ હરિયાળા જંગલો,
મને લલચાવો નહીં
મારે તમારા લાકડાનું કામ છે.

હે આકાશના વાદળો,
મને આકર્ષો નહીં.
મારે ધુમાડો છોડવો છે.

હે સુરીલાં વહેણો,
મને મોહિત કરો નહીં
મારે તમને બંધમાં બાંધવા છે.

હે લીલાછમ ડુંગરો,
મને લોભાવો નહીં
મારે તમને વીંધી નાખવા છે.

હે કુદરતના પ્રેમીઓ
મને ચળાવો નહીં
હું પ્રગતિ કરવા પ્રતિબદ્ધ છું.

~ હિમાંશુ વ્હોરા (10.2.1928)

માણસજાત પર વેધક કટાક્ષ કરતું અસરદાર કાવ્ય.

વિકાસ શબ્દ આજકાલ બહુ જાણીતો છે. ખાસ તો એ નરેન્દ્ર મોદીજીના સૂત્રમાં છે એટલે. રાજકારણની વાત જ ન્યારી. વડાપ્રધાને આપેલો છે એટલે વિરોધીઓ એને વગોવે એ તો બનવાનું જ.

માનવજાતનો વિકાસ પ્રકૃતિ પાસેથી કશું મેળવ્યા વગર શક્ય નથી. એમાં પ્રકૃતિને હાનિ પણ પહોંચવાની જ. ખેતીની શોધ થઈ અને પર્યાવરણને હાનિ પહોંચાડવાનું શરૂ થયું. ખેતી માટે જંગલો સાફ કરવા પડે ! પણ  અમુક પ્રવૃત્તિ માનવજીવન માટે જરૂરી છે. ધ્યાન એટલું જ રહે કે વિકાસની દોડ વિનાશ તરફ ન લઈ જાય. કુદરતને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડીને જીવનને વધુ સમૃદ્ધ બનાવાય.     

ગઇકાલે કવિનો જન્મદિન ગયો. સ્મૃતિવંદના.  

3 Responses

  1. ઉમેશ જોષી says:

    જન્મ દિવસની વધાઇ હો.

  2. ખુબ વાસ્તવિક રચના અત્યારે પ્રકૃતિ નો સોથ વાળી ને જે વિકાસ થાય છે તેની ઉપર નુ વેધક કાવ્ય જન્મદિવસ ની વધાઈ

  3. “હું પ્રગતિ કરવા પ્રતિબદ્ધ છું.”. વિકાસના નામે કુદરતના સૌંદર્યની સરેઆમ થતી નૂકશાનીની માર્મિક રચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: