વેણીભાઇ પુરોહિત ~ કોક તો જાગે!

આપણામાંથી કોક તો જાગે!

કોક તો જાગે!

આપણામાંથી કોક તો જાગે

કોક તો જાગે!

કોક તો જાગે આપણામાંથી

હાય જમાને ઝેરને પીધાં વેરને પીધાં

આધીનતાનાં અંધેરને પીધાં

કૈંક કડાયાં કેરને પીધાં

આજ જમાનો અંતરાશે એક ઘૂંટડો માગે

સાચ-ખમીરનો ઘૂંટડો માગે

આપણામાંથી કોક તો જાગે!

બાપદાદાની બાંધેલ ડેલી

એક ફળીબંધ હોય હવેલી

ગામની ચંત્યા ગોંદરે મેલી

એ ય નિરાંતે લીમડા હેઠે ઢોલિયા ઢાળી

સહુ સૂતાં હોય એમ કાં લાગે?

આપણામાંથી કોક તો જાગે!

સોડ તાણી સહુ આપણે સૂતાં

આપણે ઓશીકે આપણાં જૂતાં

ઘોર અંધારા આભથી ચૂતાં

ઘોર અંધારી રાત જેવી

ઘનઘોર તવારીખ સોરવા લાગે

આપણામાંથી કોક તો જાગે!

આમથી આવે ક્રોડ કોલાહલ

તેમથી વ્હેતાં લોહી છલોછલ

તોય ઊભાં જે માનવી મોસલ

આપરખાં, વગડાઉ ને એવાં

ધ્યાનબ્હેરાંનાં

લમણાંમાં મર લાઠિયું વાગે!

આપણામાંથી કોક તો જાગે!

કોઈ જાગે કે કોઈ ના જાગે

કોઈ શું જાગે?

તું જ જાગ્યો તો તું જ જા આગે

આપણામાંથી   તું જ જા આગે! 

~ વેણીભાઈ પુરોહિત  

કેટલાંક કાવ્યો સમયાતીત હોય છે. આ એમાંનું એક. સાથે સાથે એય પ્રતીતિ થાય છે કે માણસ કદી બદલાવાનો નહીં.  

કવિના જન્મદિને સ્મૃતિવંદના સહ

4 Responses

  1. Kirtichandra Shah says:

    હાજી આ કાવ્ય સમયાતીત્ છે

  2. વેણીભાઈ ની સરસ મજાની રચના તેમના સાહિત્ય ને કોણ વિસરી શકે

  3. Umesh Joshi says:

    વાહ કોક તો જાગો..

    સ્મરણ વંદના.

  4. “આપણામાંથી કોક તો જાગે!” લઈને અંતે “તું જ જાગ્યો તો તું જ જા આગે

    આપણામાંથી તું જ જા આગે! ” સુધી વાંચતાં અદ્ભૂત ભાવાનુભૂતિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: