વ્રજલાલ દવે ~ કોણ માને
કોણ માને આ વાત કે ઓલ્યા જળને તરસ્યું લાગે?
જળને તરસ્યું લાગે…
આભની પાંખે ઊડતા ગાઢા મેઘને લાગ્યો ભાર;
તારક, સૂરજ-ચંદરે એના કોઈ મળ્યા ના તાર;
ધરતીના કણ કણને પીવા કારમી ઝંખના જાગે
જળને તરસ્યું લાગે…..
કોકનો ખોબો, ગગરી ઘડો આવતાં લાગે વાર;
વાવકૂવાનાં થાનક સૂનાં કંપતાં પી અંધાર;
કંઠને જળમાં શોષ એવો કે ઠરવાનું ઠામ માગે
જળને તરસ્યું લાગે…..
પ્રથમીને પટ મૌનને ખોળે સર હેલારે જાય;
તટ પહોંચી તરણાં ને તોય પરશ લીલા પાય;
ભોંયમાં પેસે તોય ઊંડેરાં મૂળિયાંની પ્રીત માગે,
જળને તરસ્યું લાગે……
નદીયું હો કે સાગર પોતે ભીંજી, ભીંજાવી રહેવું;
ખારપ, મીઠપ બેય સવાદી રાતદી વહેતાં રહેવું;
થાન બન્યાં જે માતનાં એની વહાલપને કોણ તાગે?
જળને તરસ્યું લાગે…..
~ વ્રજલાલ દવે (26.1.1923 – 18.7.1994)
‘જળને તરસ્યું લાગે’ કલ્પન જ ભીંજવી દે એવું છે.
*****
અમસ્તાં અમસ્તાં ન વાદળ હસે છે;
સમંદરની માયા ગગનને રસે છે !
ઢળેલી ક્ષિતિજોની પાંપણ ભીની છે,
ઝૂક્યાં ઓ જલોની શી પાંખો શ્વસે છે !
અમોને શું પૂછો ધરા વીજ રહેશે ?
ધરાનાં જ ધાવણ ઘનોની નસે છે !
હવાની લીલાને તો પર્ણો હીંચોળે,
પુરાણાં થડોમાંય ઝાંયો વસે છે.
ધગેલા કિરણને તો છાંયો મળી ગ્યો,
વહેતી ભીનાશોની કાયા હસે છે.
સીધા નિર્ઝરોમાંય છલતી જવાની,
જાણું : નદીનાં જલો ક્યાં ધસે છે ?
મળી ગઈ છે મોસમ ગગન રોપી લેશું;
લપાયલ નિસાસા ભલે-ને ધસે છે !
અમસ્તાં અમસ્તાં ન વાદળ હસે છે;
અમારાંય હૈયાં ગગનને રસે છે !
~ વ્રજલાલ દવે
કવિના જન્મદિવસે સ્મૃતિવંદના.
કવિ શ્રી ની બન્ને રચના ખુબજ સરસ અભિનંદન
સ્મરણ વંદના.
સરસ કાવ્યો
વાહ!! ખુબ સરસ
ખૂબ સરસ
સ્મરણ વંદના
સરસ મજાની રચના
કેટલી અપૂર્વ વાત છે!હવાની લીલાને પર્ણ હિંચોળે છે!
કવિના બંને કાવ્યો સરસ છે. જળનું કલ્પન દ્વારા કવિ પોતાનું કામ સારી રીતે પાર પાડે છે. અભિનંદન.
સરસ કાવ્યો
વાહ ખુબ ગમ્યા
સ્મૃતિવંદના.