રક્ષા શાહ ~ બે ગઝલ

સૂર્યના પહેલા કિરણ જેવી ગણી છે,

ગેરસમજણ ક્યાં કદી ઝાઝી ટકી છે!

કેટલો વિશ્વાસ મહેનત પર હશે કે

ઝુંપડી ઈશ્વર કૃપાનામે ચણી છે.

એટલે પપ્પા ગમે થો..ડા વધારે,

એમને ‘મા’ આપણા પહેલાં ગમી છે.

કાર છો આપી નથી, સંસ્કાર આપ્યાં,

તેજ ગતિથી દીકરી આગળ વધી છે.

એમને પૂછી જુઓ કે થાક છે શું?

કામ ના મળતાં ઘણી રાતો ગણી છે.

મૃત છે ને એટલે રસ્તો મળ્યો ને !

જિંદગીને તો ઘણી અડચણ નડી છે.

શહેર છોડીને ભલે આવી ગયાં એ,

બેગ ભારોભાર યાદોથી ભરી છે.

ભલભલા સંબંધ બાળ્યાં છે ખરેખર,

રૂપિયામાં એટલી ગરમી મળી છે.

શિષ્ય માટે જિંદગીનું કંકુ છે એ,

ભૂલ માટે લાલ સ્યાહી વાપરી છે.

ગુંચવાયેલી છતાં સ્વાદિષ્ટ લાગી,

જિંદગી, નૂડલ્સ જેવી તું બની છે.

~ રક્ષા શાહ

બીજા શેર માટે ‘વાહ’ કહેવું જ પડે તો ત્રીજા શેરમાં ‘મા’ની વાત કવિ હટકે લઈ આવ્યા છે.

‘મૃત છે ને એટલે રસ્તો મળ્યો, ને ; જિંદગીને તો ઘણી અડચણ નડી છે’ આ શેરમાં કટાક્ષ જુઓ !

*****

ગામમાં માલદાર લાગે છે,

એટલે ત્યાં કતાર લાગે છે.

એક હુંકારને ઘટાડયો મેં,

એ જ હુંઓમકાર લાગે છે.

એમના હાથમાં કલમ જોઈ,

દર્દના એ સુથાર લાગે છે.

કેમ ‘આભાર’ ના ગમે, હેં મા?

તો કહે,”એ જ ભાર લાગે છે.”

એક પર એક ફ્રી મળે મનમાં,

ધારણાનું બજાર લાગે છે!

યાદને યાદ રાખતાતા ને!

યાદના જાણકાર લાગે છે.

બાપનો હાથ જ્યાં ફર્યો માથે,

તો અલગ સારવાર લાગે છે.

ફોતરાં જેમ જીવ પણ ઉડશે,

તો પછી કેમ ભાર લાગે છે?

એક સેકંડ ના મળી મા તો,

સોમ થી શુક્રવાર લાગે છે.

~ રક્ષા શાહ

નાવીન્યની તાજગી તો છે જ…

બીજો અને આઠમો શેર સ્પર્શી ગયા.   

7 Responses

 1. Minal Oza says:

  યાદોની બેગ ભરીને લાવવાની વાતમાં ભૂતકાળ આંખો સામે તરવરતો દેખાય છે.

 2. Varij Luhar says:

  એમને મા આપણાં પહેલાં ગમી છે….. વાહ…
  બન્ને ગઝલો સરસ છે.. અભિનંદન

 3. વાહ ખુબ સરસ પપ્પા ગમવા નુ કારણ અદભુત બન્ને રચનાઓ ખુબ ગમી રચનાકાર ને સલામ

 4. હરીશ દાસાણી.મુંબઈ says:

  દૈનિક ઘટનાઓના જાળામાંથી કાવ્યતત્વ શોધવાની કળા રક્ષાબેને સિદ્ધ કરી છે.

  • Raxa Shah says:

   ખૂબ ખૂબ આભાર મીનલબેન,વારીજ સાહેબ,છબીલભાઈ,હરીશભાઈ..આનંદ..આનંદ..🙏💐

 5. બંને સરસગઝલો, પણ આ શેર તો અફલાતૂન છ
  +એટલે પપ્પા ગમે થો..ડા વધારે,

  એમને ‘મા’ આપણા પહેલાં ગમી છે.
  +એમના હાથમાં કલમ જોઈ,

  દર્દના એ સુથાર લાગે છે.
  +શિષ્ય માટે જિંદગીનું કંકુ છે એ,

  ભૂલ માટે લાલ સ્યાહી વાપરી છે.

 6. દીપક આર. વાલેરા says:

  વાહ મસ્ત ગઝલ બંને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: