કલાપી ~ રે પંખીડા

રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો;
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?

પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું;
ના, ના, કો દિ’ તમ શરીરને કાંઈ હાનિ કરું હું.

ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં;
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે.

રે રે! તોયે કુદરતથી મળી ટેવ બીવા જનોથી;
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.

જો ઊડો તો જરૂર ડર છે, ક્રૂર કો હસ્તનો હા!
પાણો ફેકેં તમ તરફ રે! ખેલ એ તો જનોના.

દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ભાન ભૂલી;
રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી.

~ કલાપી

*****

કમળ ભોળું, કુમુદ ભોળું, ભમર ભોળો, દીવાનાં છે
જે જેનું ન તે તેનું, પ્રેમી પ્રેમી જુઠાનાં!

ભ્રમર ગૂંજે કમલ કુમુદે, ન જેને છે કદર તેની,
દિલ તો તણાં નભમાં, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ પ્રેમી રવિનું જે, કુમુદ બાઝ્યું શશી ને જે,
ફરે ઊંચા તે બેપરવા, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ, ભમરા. કુમુદ જેવું હ્ર્દય મારૂં ખરે ભોળું,
કુદે, બાઝે, પડે પાકુ, પ્રેમી પહાડ પાણો છે!

ઈચ્છે દાસ થવાને, ન કોઈ રાખતું તેને,
બિચારૂં આ દિલ કહે છે, “પ્રેમી પહાડ પાણો છે!”

મનુની પ્રીત દીઠી મેં, ઝાકળમોતી જેવી તે,
લાડું-લાકડાનો સ્નેહ , પ્રેમી પહાડ પાણો છે!

હવે મનજી મુસાફર તું, બહેતર જા બિયાબાને,
કરી લે પ્રીત પક્ષીથી, પ્રેમી પહાડ પાણો છે!

નિ:શ્વાસે ભર્યું હૈયું, અશ્રુથી ભર્યાં ચક્ષુ,
મગજ બળતું કહે છે: “હા! પ્રેમી પહાડ પાણો છે!”

~ કલાપી

26 વર્ષની નાની વયે અસ્ત પામેલ આ રાજવી કવિના જન્મદિવસે સ્મૃતિવંદના. 

18 thoughts on “કલાપી ~ રે પંખીડા”

  1. Varij Luhar

    એક રાજવી કરતાંય એક કવિ તરીકે જેનું નામ ગૌરવ પૂર્વક લેવાય છે
    તે કવિ કલાપીને જન્મ જયંતિએ વંદન

  2. ઋજુ હૃદય ધરાવતા કવિ કલાપીને એમની જન્મજયંતીને દિવસે ભાવાંજલિ..
    ‘કેકારવ’માંથી પસાર થઈએ ત્યારે ‘યાદી ભરી ત્યાં આપની’ એ ગઝલ યાદ આવી જાય.

  3. કલાપીનાં મુકાયેલ બંને કાવ્યો સરસ છે. અભિનંદન લતાબેન.

  4. છંદ મંદાક્રાતા કાવ્યના વિષયને અનુરૂપ છે.

  5. કલાપી ની કવિતા અને ગઝલો વાંચીને ઘણા મારા જેવાનું શાળા જીવન વીત્યુૃ છે. કવિને સ્મરાંજલિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *