ઉદયન ઠક્કર ~ ફેન્સી ડ્રેસ * Udayan Thakkar

ચાલીસ વરસે અમે શાળાના મિત્રો મળ્યા,
ફેન્સી ડ્રેસ પાર્ટીમાં
કોઇ મિંયા ફૂસકી બનેલો, કોઇ તભા ભટ્ટ
નટુ હેડમાસ્તર, સુજાતા સિંડ્રેલા
અને હું ? ખૂંધિયો રાક્ષસ
ઝાઝો મેક અપ નહોતો કરવો પડ્યો, જો કે
‘યાદ છે પે’લો બાથરૂમ? પહેલે માળ?
દીવાલ પર લીટી તાણેલી ને લખેલું
તમારો ફૂવારો અહીં સુધી પહોંચે તો બંબાવાળા બનો
આ નટુ !! માસ્તરે તતડાવેલો
ચોપડી કોરી કેમ ?
તો કહે : સર તમે પાટિયા પર લખ્યું
મેં ચોપડીમાં લખ્યું
તમે લખેલું બધું ભૂંસી નાખ્યું…
નટુ કોકોકોલાની બાટલી દાંતથી ખોલતો
આજે હસવા જાય તો ચોકઠું બહાર આવે છે
દુષ્યન્ત આંક ને પલાખાં કડકડાટ બોલતો
એને પોતાનું નામ પણ યાદ નથી
સુજાતા સ્મિત કરે ને શરણાઇઓ ગુંજતી
હજી કુંવારી છે
હર્ષ તો હાઇજમ્પ ચેમ્પિયન
નવમે માળેથી કૂદ્યો
મેનકા બ્લાઉઝ પર પતંગિયાનો બ્રોચ પહેરતી
હવે એને એક સ્તન છે
બાર વાગ્યા સુધી ચાલી પાર્ટી
ફેન્સી ડ્રેસ પાર્ટી
થોડીક પળો માટે અમે
બાળપણ પહેરીને મરણને છેતર્યું.
~ ઉદયન ઠક્કર
ચિત્રાત્મક અને હલબલાવી મૂકતું કાવ્ય.
બાળપણના તોફાનો આંખ સામે એક પછી એક દૃશ્ય બનતાં જાય છે….
દરેક મજાની વાત બીજી પંક્તિમાં કરુણતા છલકાવે છે
અને આખરી પંક્તિ…. જીવનના સત્યને કલાત્મક – કવિતાત્મક શૈલીએ લખલખું આવી જાય એમ ચીતરે છે.
સલામ કવિ !
વાહ ફેન્સી ડ્રેસ…ખૂબ સરસ અભિવ્યક્તિ છે..
વ્યક્તિના જીવનના બે તબક્કાના વાસ્તવિક ચિત્ર કવિ ચાક્ષુશ કરી શક્યા છે.
કવિશ્રી ઉદયન ઠક્કરના આ કાવ્યમાં બાળપણનું બળ પણ છે
જીવન ની વાસ્તવિક પરિસ્થિતિ ની ખુબ સરસ અભિવ્યક્તિ કવિતા દ્નારા રજુ થયેલ છે અેક સમય નો શકિતશાળી માણસ સમય જતા અેક તણખલું પણ પકડી શકતો નથી અેટલે જ કવિ દાદ કહે છે કે ઘર ઉંબરો પણ ડુંગર જેવો લાગે છે અને આ વ્રુધાવસ્થા
કોને બાળપણ યાદ નથી આવતું, મને આ કાવ્ય વાંચતાં આવી ગયું!
ઉદયન ભાઇ નું આ સુંદર કાવ્ય કવિને પણ પ્રિય છે. તેથી ઘણા કાર્યક્રમોમાં તેમના મોઢે સાંભળેલ છે.
વાહ વાહ…મારું મનપસંદ કાવ્ય….!
સાવ સહજ રીતે જીવન ની વાસ્તવિકતાનું આલેખન ..
ઉદયન ઠક્કરની બંને કવિતાઓ ફેન્ટાસ્ટિક છે
ઉદયનભાઇના કાવ્યની છેલ્લી પંક્તિમાં ‘મરણ’ની જગ્યાએ ‘ઘડપણ’ હોય તો!
એનો જવાબ કવિ જ આપી શકે !
ખૂબ સરસ કાવ્ય