ઉદયન ઠક્કર ~કોઈએ કહ્યું છે * Udayan Thakkar

કોઈએ કહ્યું છે:
માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે
મરણ સાથે.
આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે?
કે લગ્નની ભયંકરતા તરફ?

મરવુંમાંથી વાસ આવે છે
બાકસમાં પુરાયેલા કાનખજૂરિયાની,
કોહવાતા લાકડાની, મરઘાના ખાતરની,
વરસોથી ખૂલેલા, હવડ હવાબારી વગરના સંબંધની,
લોટામાં ચાર પાન મૂકો સાહે, કાંઠલે દોરો બાંધો,
હવે શ્રીફળ પધરાવો, ચાર બાજુએ ચાર ચાંદલા કરો,
અક્ષત લગાડો, હાથમાં લઈને ત્રણ વખત માથે અડાડો,
કુંભે વરુણમાવાહયામિ સ્થાપયામિ…’–ની વાસ આવે છેમરવુંમાંથી.

કૂંપળમાંથી કોલસો
વ્હેલમાંથી તેલ
કેવા કેવા વેશ કાઢે છે, મરવું

ફ્રાન્સવાળાઓએ કાચી કુમળી વયે બાંધીને બાળ્યું,
પારધીવાળાઓએ અંગૂઠે વીંધ્યું,
ગ્રીસવાળાઓએ પ્યાલી પાઈ,
યહૂદીવાળાઓએ ખિલ્લે ઠોક્યું,
તોયે સાલું હેં હેં કરતું ઊભું છે, અમર,
મરવું

જોઈએ ત્યારે મારું વા’લું ન મળે,
આડે હાથે મુકાઈ જાય.
ગોતો કેરોસીનના બળબળતા ઉજાસમાં,
રેલવેના આટેપાટે,
છલકાવો ટીક-ટ્વેન્ટી ઓન ધ રોક્સ,
એકવીસ માળ બાવીસ વાર ચડો
ને ઊતરો,
પણ ગુમ
‘ઠીક ત્યારે, જેવી હરિ ઇચ્છા’ કહીને મન મનાવી લો
ત્યાં જ હસતું હસતું
તમારી બગલમાં સોપારીની જેમ ઊપસી આવે
અને પૂછે,
‘હાઉક! મને ગોતતા હતા?’

~ ઉદયન ઠક્કર

શરૂઆત એક સ્ટેટમેન્ટથી જે જીવનનું અંતિમ સત્ય છે અને એ જ શબ્દોમાંથી કવિએ નિપજાવેલો કટાક્ષ !

અગિયાર લાઇનોમાં મરણનું ચિત્રણ કેવું વેધક !

એ પછી કોઈ નામોના ઉલ્લેખ વગર પણ ભાવકને મનમાં તરત ઊગી નીકળે એવા સંદર્ભો અને પૂરી કાવ્યાત્મકતા સાથે !

અને અંત તો ધ્રુજાવી જ જાય !!!

5 Responses

  1. ખુબ સરસ મજાની રચના ખુબ ખુબ અભિનંદન

  2. હળવી શૈલીમાં મૃત્યુંની , ‘અમરતા’ અને અધ્યાહાર રહેલી વેદના ઉજાગર કરતી રચના છે.

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    મૃત્યુ વિશે ઠંડે કલેજે આ રીતે પણ વિચારી શકે તે કવિ જ જીવનને પણ માણી શકે.

  4. આ પ્રકારના કવિતામાં ઉદયનભાઈની વિશેષ હથોટી છે. ખૂબ સુંદર રચના ભાઈ.

  5. Kirtichandra Shah says:

    All poems by Udyan THAKKAR are lovely

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: