લાભશંકર ઠાકર ~ અંતિમ ઇચ્છા 1-2 * Labhshankar Thakar

ઊંચી તમારી પ્રિય પુષ્ટ કાયા
નાહ્યા પછી રોજની જેમ હાથમાં
પ્રવેશશે છાબ લઈ, અજસ્ત્ર
મોંથી હશે મંત્ર ઝરંત સિક્ત
નમેલ બે સ્કંધ પરે પ્રશસ્ત
ઢળ્યો હશે આતપ સે’જ હે સખે
વિશ્રબ્ધ મારા મુખ શો; ધીમે ધીમે
આવી અહીં આંગણમાં કરેણની
ડાળી પરે દક્ષિણ હાથ દીર્ધ
લંબાવશો; કંપતી અંગુલિ થકી
થશે જરી સ્પર્શ ત્યહીં જ હું પ્રિયે
ગરીશ (રાતું ફૂલ) રોજ છાબમાં.

~ લાભશંકર ઠાકર

@@

ને વૃદ્ધ હાથે પકડી બપોરના
તું હોય રામાયણ વાંચતી સખી
ઝીણાં કરી લોચન બે નમીને;
ને વિપ્રલંભે કૃશકાય આકુલા
કારુણ્યમૂર્તિ અહ દગ્ધ જાનકી
ઊભી રહી હો તુજ નેત્રની નીચે
પૃષ્ઠો પરે જીર્ણ; જરાક રમ્ય
મોતી ઝઝૂમે ચખ વૃદ્ધમાં;
કહું ?
ત્યારે અનુજ્ઞા લઈ ઇન્દ્રની સખી
પતંગિયું એક બની સુવર્ણનું
આવીશ પૃષ્ઠો પર બેસવા ક્ષણ.

~ લાભશંકર ઠાકર

શ્રી હરિકૃષ્ણ પાઠક આ કાવ્ય-યુગ્મને આ રીતે પોંખે છે: પ્રસ્તુત કાવ્યો વિશે ‘રે’ મઠના કોઈ પણ કવિને પૂછશો તો કહેશે કે આ કાવ્યો ‘પૂર્વ લાભશંકર’નાં છે. અને હકીકત પણ એ છે કે ‘ઉત્તર લાભશંકર’ તો આપણી કવિતામાં નવતર અને આધુનિક ઉન્મેષો પ્રગટાવનાર સમર્થ આરંભકર્તા કવિ રહ્યા છે. પ્રસ્તુત બંને કાવ્યોની સંવેદના વ્યાપક માનવ્યની છે. તેની સામગ્રી, વિગત, અભિવ્યક્તિ, છંદ-લય-ભાષાનાં પોત અને સૌંદર્ય તેનું માર્દવ અને સનાતનતા – આ બધું જોતાં કહેવું પડે કે હિન્દુ સંસ્કૃતિ, સંસ્કાર અને જીવનચર્યામાંથી જ પ્રગટી શકે તેવા સર્જનનું અહીં અવતરણ થયું છે, જે સર્વાશ્લેષી છે. દામ્પત્ય પ્રણયનો અખંડ પ્રવાહ – તે ખંડિત થયા પછી પણ- વિદેહ વ્યક્તિના ઉદગાર રૂપે વહેતો નિરૂપીને કવિએ અનુક્રમે વિદેહ પતિ અને વિદેહ પત્નીના અદભુત કલ્પના-ઉદગારથી આ કાવ્યોની નવાજેશ કરી છે.”

કવિની પૂણ્યતિથિએ સ્મૃતિવંદના

સૌજન્ય : લયસ્તરો

9 Responses

  1. Kirtichandra Shah says:

    હરીશંકર પાઠકએ લાભ શંકર thakkar ne સારી રીતે બિરદાવ્યા છે It is beyound me to talk about La Tha

  2. સરસ બન્ને કાવ્યો લા. ઠા. ની પુણ્યતિથિ નિમિત્તે વંદન બન્ને કાવ્યો મા કવિ શ્રી ની ઉદાત ભાવના ઓ પ્રગટ થાય છે

  3. રેખાબેન ભટ્ટ says:

    ખૂબ મૃદુ લાગણીઓની અભિવ્યક્તિ. લાભશંકર ઠાકરનું નામ એટલેજ માનપૂર્વક લેવાય છે. 🌹🌹🙏🙏

  4. ઉમેશ જોષી says:

    કવિ લાભશંકર ઠાકરની પુણ્યશ્લોક દિવ્ય ચેતનાને વંદન.

  5. Anonymous says:

    શ્રી હરેકૃષ્ણ પાઠકે કરેલાં કાવ્યનાં અવલોકને કાવ્યનાં ગૂઢાર્થને સુપેરે ઉઘાડી આપ્યું છે.
    દિવંગત કવિ ચેતનાને વંદન.

  6. કવિ શ્ની લા.ઠા.ની પૂણ્યતિથિએ સ્મૃતિવંદના. કાવ્યોનો નવોન્મેશ માણ્યો. આભાર.

  7. હરીશ દાસાણી.મુંબઈ says:

    લાભશંકર ઠાકરની સર્જકતા આ કવિતાઓમાં પૂર્ણ ખીલેલી છે.

  8. ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી" says:

    કવિ શ્રી લાભશંકર ઠાકરના સાકર જેવા મેળવવા જેવા કાવ્યો.
    કવિને વંદન વંદન.

  9. ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી" says:

    સાકર જેમ મમળાવવા જેવા કાવ્યો એમ વાંચવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: