દેવકૃષ્ણ પિતામ્બર જોશી અને સુરેશ ગાંધી * Devkrushna Joshi * Suresh Gandhi

દેવકૃષ્ણ  પિતાંબર જોશી – એક સાક્ષરને એવી ટેવ

એક સાક્ષરને એવી ટેવ, પુસ્તક એટલા પૂજે દેવ;
અક્ષરે અક્ષરે કરે વિચાર, વાક્યે વ્યાકરણનો વ્યાપાર;

લીટીઓ વાંચે ને લપ કરે, વેણ ચીપી ચીપી ઉચ્ચરે.
જ્યહાં ત્યાહાં ક્યહાંનાં કૌતક કરે; નોંધ લઈ ડાયરીઓ ભરે.

કવન કવે તે જ્યાંત્યાં લવે, જેમ ફાવે એમ ગોઠવે,
ગણે માત્રા ને અક્ષરમેળ, કરે પિંગલડિંગલના ખેલ.

સીધું પડે તો સુતર વહે, નહીંતર આડો મારગ લહે,
સુન્ને સભા ને દોડ્યો જાય, વણબોલાવ્યો ઊભો થાય.

લાંબી જીભે લબરકા કરે, વણસમજ્યો વિવેચન કરે.
સુણે સૌ તો ધૂણે શીશ, નહીંતર મનમાં રાખે રીસ.

પૂછે કોઈ કવિ સારો કોણ? વાતવાતમાં ઘાલે મોણ.
નાનાલાલ? નનૈયો ભણે, નરસિંહરાવને કૈં ના ગણે!

પ્રેમાનંદની કાઢે પોલ, દયારામ ભગતડા બોલ.
નરસિંહને લાઘવનો લોભ, ભોજામાં વિનયનો ક્ષોભ.

તુલસીદાસ? રજ નિજનું નથી, અખાની તો અવળી મતિ
નર્મદનો તો વ્યસની તોર, દલપત તો ખુશામતખોર!

દુર્બળિયો કૌમુદીકાર, પાઠક ભટ્ટનો શો વિચાર ?
મેઘાણી ચારણિયો ચોર, રાયચુરા તો દુહાખોર!

કવિનું બિરદ જાતે બકે, પોતે મોટો પોતા થકે.
સર અવસર સંમેલન ભરે, નિજની શ્લાઘા સૌમાં કરે!

તંત્રીની ખુશામત કરે, લેખ છપાતાં અધ્ધર ફરે.
બે પૈસા બાપાના રહ્યા, તે સઘળા પોસ્ટેજમાં ગયા!

બોલે બૈરી કપરા બોલ, આંકે કાણી કોડી મોલ.
સાક્ષરથી નિરક્ષર ભલા, ધંધો કરી ઢીબે રોટલા!

~ દેવકૃષ્ણ  પિતાંબર જોશી

આજે પણ આ વાત સાચી નથી લાગતી !!

કવિના જન્મદિને સ્મૃતિવંદના

***********

સુરેશ ગાંધી ~ રાધા ચાલી  

રાધા ચાલી પગલાં જોતી,

જ્યાં જ્યાં હરિપગલાંને જોયાં, ફૂલડાં માં ગોતી

પાલવડે પદરેણુ બાંધી, હરખાતી મન મ્હોતી

કોઈ પૂછે તો કે’તી. ખોયું કંઠહારનું મોતી  

ચંપકવરણી ચતુરા ચાલી દીવડે લૈને જોતી

અંગેઅંગ ઉમંગ ન માયે, ઘડી ઊભે શરમાતી

ક્યાં એ વેણુ? ક્યાં એ કાનુડો? ભીની આંખડી લ્હોતી.

~ સુરેશ ગાંધી

કવિના જન્મદિને સ્મૃતિવંદના

4 Responses

  1. બન્ને રચનાઓ ખુબ માણવા લાયક કવિ શ્રી અખા ની યાદ અપાવી જન્મદિવસ ની ખુબ ખુબ વધાઈ આભાર લતાબેન

  2. મજાનું સરસ સંકલન.

  3. Anonymous says:

    અખાની કાવ્યબાનીમાં આજના સાહિત્યકારો પર કટાક્ષનો કોરડો ઠીકઠીક વીંઝાયો છે.

  4. હરીશ દાસાણી.મુંબઈ says:

    દેવકૃષ્ણ જોશીએ નિરૂપેલ અધૂકડો માણસ-કવિપદવાંચ્છુ-અનેક સ્થળોએ પ્રત્યક્ષ જોવા મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: