રક્ષા શુકલ ~ હે ઈશ્વરજી

હે ઈશ્વરજી

આપો આપો મુખડું આપો

હે ઈશ્વરજી, કરું કવિતા, ધોવા મારે સઘળા પાપો

આ જ લગી ક્યાં ચાખ્યાં ‘તાં મેં શબદ નામના બોરા
કાગળ, કીત્તો, ખડિયો આજે હાથવગાં ને ઓરાં
હાડચામમાં લોહી બદલે ભળ્યાં શાહીના ફોરાં  
વાતું માંડે હવે ટેરવા ક્યાંથી કાગળ કોરા
હે ઈશ્વરજી વગર હલેસે બારાખડીમાં તરે તરાપો
આપો આપો, મુખડું આપો.

હું તો ક્યારામાંથી કૂદી સીધી નભને અડવા
લાગ્યા સૂરજ-ચાંદ મને તો મારામાંથી જડવા
માણસ ઠાલું મલકે ત્યાં તો કેફ લાગતો ચડવા
પરપોટાના પોત ઉપર હું બેઠી ગીતો ઘડવા
હે ઈશ્વરજી મઘમઘ શ્વાસો, એને છાતી સરસા ચાંપો
આપો આપો, મુખડું આપો.  

~ રક્ષા શુક્લ

કવિતાસર્જનનો કેફ કેવો હોય છે ? ગૃહસંસારની જવાબદારીમાંથી થોડી હળવાશ મળતાં ઘણી સ્ત્રીઓ સરસ મજાનાં કવિ તરીકે બહાર આવે છે. એમને જાણે ‘રામ-રમકડું જડિયું’ જેવો અનુભવ થાય છે. અચાનક જીવનમાં નવા મેઘધનુષો પ્રગટી ઊઠ્યા હોય એવું અનુભવાય છે. જુઓને કવિતા ન સૂઝે એના ઉપર પણ ગીત લખાયું છે. કેવું સરસ ! અલબત્ત બીજ હોય તો જ છોડ કોળે એ વગર શક્ય નથી, એ ય ખરું !

*****

12 thoughts on “રક્ષા શુકલ ~ હે ઈશ્વરજી”

  1. સરસ ગીત છે.
    કવિતા સર્જન માટેની ઈશ્વરને અરજ છે.વિનંતી છે.આવા વિચારની આસપાસ કવ્યપીન્ડ સાહજિક રીતે બંધાતો જાય છે..

  2. દિલીપ જોશી

    સરસ ગીત છે.
    કવિતા સર્જન માટેની ઈશ્વરને અરજ છે.વિનંતી છે.આવા વિચારની આસપાસ કવ્યપીન્ડ સાહજિક રીતે બંધાતો જાય છે..

  3. Raksha Shukla

    વાહ જી… લતાબેન… કાવ્યવિશ્વમાં મારા કબ્યોને સ્થાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર… કાવ્યવિશ્વએ ખરેખર કાઠું કાઢ્યું છે… જે વાંચીને જાણે સાહિત્યની બધી વિધાઓ 32 ભોજનનો સ્વાદ આપે છે… તમારી નિષ્ઠા અને સાહિત્યપ્રેમને દિલથી સલામ. અદભુત કામ…. તમારા ગમેટીલા પણ આકારા પરિશ્રમને પણ સલામ.. 👍🏻👍🏻👍🏻🌹🥰

  4. Raksha Shukla

    દિલીપભાઈ, અજ્ઞાતજી, લતાબેન, છબીલભાઈ…આપ સૌનો ખૂબ ખૂબ આભાર… પ્રણામ.. 🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  5. શ્રી રક્ષાબેનના બંને કાવ્યો ગમ્યાં. તેમની કલમ ઈશ્વરની નજીક રહીને કવિતા સર્જે છે એટલે હ્રદય સોંસરવી ઉતરી જાય છે. કવિયત્રીને અભિનંદન !
    પ્રફુલ્લ પંડ્યા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *