જયશ્રી વિનુ મરચંટ ~ કોશેટામાં * Jayshree Marchant
કોશેટામાં પોષાયેલી અટકળની બંધ આંખો
ને પછી
અટકળને અંધ પાંખો ફૂટે
ને પછી
એ…ને…અટકળ ઊડી, ઊડી, ને એવી તે ઊડી
ને પછી
અટકળ બની ગઈ અફવા,
ને પછી, અફવાને ફૂટે ચારેકોરથી શતશત ચરણ
ને પછી, ચરણોની હરણફાળ, અંધ પાંખોનો ફરફરાટ
ને પછી
ઊડી ઊડીને અફવા થાકે
ને પછી
ચરણ સંકોરે, અંધ આંખો ખેરવે
ને પછી
કોશેટામાં પાછી પેસીને ઉઘાડે બંધ આંખોને
ને પછી
કોશેટામાં ડંકાની ચોટ પરથી એલાન કરે કે ‘હું અટકળ નથી, અફવા નથી’
ને પછી
છાતી ઠોકીને કહે, હિંમતભેર કે, ‘હું જ સત્ય છું!’
ને પછી
કોશેટાની પંચાયતી અદાલત પાસે મ્હોર મરાવે એના સત્ય હોવાના દાવા પર
ને પછી……….
ત્યારથી કોશેટામાં સત્ય, અટકળ અને અફવાની ગુલામી કરે છે….!
–જયશ્રી વિનુ મરચંટ
‘ને પછી’ જેવો સાતત્યપૂર્ણ પ્રયોગ લઈને આવતું આ સરસ અછાંદસ કાવ્ય.
પહેલા અટકળો થાય, એમાંથી અફવા જન્મે અને ધીરે ધીરે આ અફવા ફેલાવનારાઓ એને સત્યનું મહોરું પહેરાવીને જ જંપે ! જી હા, આ એક કડવું પણ સત્ય છે. જૂઠને સત્યમાં ફેરવી નાખવાનું સત્ય યાને કે અસત્યનું સત્ય ! અફવાને મારીમચડીને સત્ય તરીકે રજૂ કરવામાં આવે એ તો આપણાં સૌનો રોજેરોજનો અનુભવ છે. એટલે વાત બહુ ગંભીર છે, મુદ્દો ગહન છે પણ રજૂઆત માટે કોશેટાનું કલ્પન ખૂબ મુલાયમ અને છતાંય ડંકાની ચોટ જેવુ સશક્ત અને સબળ છે. ભ્રમણાનો કોશેટો ને એમાંથી પેદા થતી અટકળની બંધ આંખો ! એક એક શબ્દ વિચારીને મુકાયેલો છે. આંખો છે પણ બંધ છે. એ કશું જોવા એટલે કે સચ્ચાઈ જાણવા સમજવા કે વાસ્તવિકતાને ઓળખવાનો ધરાર ઇનકાર કરે છે. જુઓ એ પછી આની ‘અંધ’ અને ‘બંધ’નો માત્ર પ્રાસ જ નથી મળતો… એ અત્યંત અર્થસભર વાત બની રહે છે. પૂરી સામાજિક નિસ્બત ધરાવતી બાબતને કલામયતાથી રજૂ કરતું સરસ કાવ્ય.
13.2.21
Purushottam Mevada, Saaj
13-04-2021
કવિયત્રી જયશ્રી મર્ચન્ટની કવિતા અસત્ય ને સત્ય ઠેરવતી પ્રક્રિયા ને આબાદ પ્રતિકથી ઉજાગર કરે છે.
વારિજ લુહાર
13-04-2021
ને પછી.. સરસ કાવ્ય… કાવ્ય વિશ્વ નિયમિત
વાંચવાનું બંધાણ થઈ ગયું છે..આપ આ બધી પ્રવૃત્તિઓ ને કારણે પોતીકું સાહિત્ય સર્જન
અટકી ન જાય તે જોજો.
પ્રતિભાવો