ગુણવંત ઉપાધ્યાય ~ માંગવું ગમે

તારી કનેથી કંઈક હજુ માંગવું ગમે

દીધું  હૃદય તો સ્વપ્ન સમુ માંગવું ગમે

તું છે સ્વયં કવિતા વિષય કવિનો તું

છંદોવિધાન, ગાન બહુ માંગવું ગમે

તારો વિકલ્પ તું જ અને તું જ સર્વદા

માંગ્યા વિના મળે તો ઘણું માંગવું ગમે

ઇચ્છાના નામે તારું સહજ નામ લઈ લીધું

શબ્દોનું બેમિસાલપણું માગવું ગમે.

વાદળ સમી છે તું અને હું વૃક્ષ નો સ્વભાવ

તારું સમું જ કોઈ સગું માંગવું  ગમે

જાગ્રત, સુષુપ્ત, સ્વપ્ન બધું એકમેક જ્યાં

એવી ક્ષણોમાં તારો બનું માંગવું ગમે

રણકારનું કોઈ ચલણ સંભવે નહીં

એવું જ સ્વાભિમાન ઋજુ માંગવું  ગમે. – ગુણવંત ઉપાધ્યાય

હજી ગઇકાલ સુધી તો અવારનવાર સરસ મજાની કવિતાની રસલ્હાણ પીરસતા કવિ ગુણવંત ઉપાધ્યાય અચાનક આપણી વચ્ચેથી જતા રહ્યા. કોવિદના કાળા કેરે એક વધુ કવિને છીનવી લીધા. આપણે અસહાય !!

આપણને તો આ કવિઓને પાછા માંગવા ગમે, જો ઈશ્વર આપતો હોય તો !

હવે તો એમની કવિતાઓ જ આપણો સધિયારો બની શકે. નિગમ ઉપાધ્યાયના સ્વરમાં સાંભળો આ ઋજુ હૃદયના કવિની કવિતા.

6.5.21

સૌજન્ય : ઓડિયો – પ્રફુલ્લ પંડ્યા   વિડીયો – મૌલિક ‘વિચાર’  

કાવ્ય : ગુણવંત ઉપાધ્યાય સ્વર : નિગમ ઉપાધ્યાય સ્વરાંકન : ડો ભરત પટેલ 

***

લલિત ત્રિવેદી

06-05-2021

વંદન

સુરેશ ‘ચંદ્ર’ રાવલ

06-05-2021

ખૂબ સચોટ ગઝલ ગુણવંતભાઈની…
“તારી કનેથી હજું કંઈ વધું માંગવું ગમે’
હા…જો કવિએ ઈશ્વર પાસેથી થોડી વધું આવરદા માંગી લીધી હોત તો…?
તો કદાચ વધું સુંદર ગઝલ મળતે…

પ્રફુલ્લ પંડયા

06-05-2021

ઓડિયોમાંથી અદભૂત વિડિયો બનાવ્યો છે.સુરેખ કલ્પનાશીલતા વિના આવું રૂપાંતર શક્ય નથી.આ સાથે જ નિગમ ઉપાધ્યાયે ખૂબ જ હ્રદયસ્પર્શી રીતે આ ગઝલને ગાઈને એક મનોરમ્ય વાતાવરણ રચ્યું છે.ભરત પટેલનું સ્વરાંકન ધીમી લિજ્જતથી તરબતર કરે છે.ગુણવંતભાઈના શબ્દો અહીં જીવંત બનીને ગૂંજે છે.સરસ અંજલિ !
પ્રફુલ્લ પંડ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: