નિસર્ગ આહીર ~ નદીકિનારે * Nisarg Ahir

નદીકિનારે પ્રાચીન મંદિર

મંદિર છે એટલે આવે છે લોકો

દર્શન કરે

ઝટપટ જતાં રહે કેટલાંક

કેટલાંક નદીને નીરખે ઘડીક

કોઈનું ધ્યાન જાય ના નદી વચ્ચે પડેલા પથ્થર પર

ને નજર જાય તો ટકે નહીં

કેવળ પથ્થર જાણે છે કે નદીનું નદીત્વ એને જ કારણે છે

કેવળ મંદિર જાણે છે કે મંદિરત્વ પથ્થરને કારણે જ છે

તારું-મારું પણ કંઈક એવું જ છે

તું તારી સમગ્રતાની તસવીર લે

તો એમાં હું ક્યાંય ન હોઉં

નથી તો હું તારો ઉદ્દેશ

ને છતાં

સાવ નગણ્ય ગણાતો હું

તારાપણાનો આધાર હોઉં પણ ખરો…..

~ નિસર્ગ આહીર

કોઈક બાબતને નવીન રીતે પ્રમાણવાની, એનું જુદું જ ભાવવિશ્વ ઊભું કરવાની કે એને જીવન સાથે જોડી એમાં પ્રાણતત્વ ઉમેરવાની પ્રક્રિયા અને એમ એક જડ બાબત અથવા એક જડ ચીજને અનોખું સૌંદર્ય બક્ષવાની પ્રક્રિયા અછાંદસ કાવ્યોમાં વધારે મળે છે. કવિ નિસર્ગ આહીરનું નદીમાંના પથ્થર માટેનું આ કાવ્ય એનો ઉત્તમ પુરાવો છે. પથ્થર જેવી ચીજને કવિતામાં લપેટી કેટલી સુંદર બનાવી દીધી છે ! અને અંતે એમાંથી સંબંધોનું મધુર સૌંદર્ય નિપજાવ્યું છે !

‘સમગ્રતાની તસવીર’ લેવાની વાત સંબંધની સૂક્ષ્મતા આલેખે છે તો ‘સાવ નગણ્ય ગણાતો હું તારાપણાનો આધાર હોઉં પણ ખરો….. – આ છેલ્લી પંક્તિ એક હળવો અને હૂંફાળવો સ્પર્શ આપી જાય છે.. અને એ જ તો છે કાવ્ય !

14.1.22

*****

આભાર

17-01-2022

આભાર મેવાડાજી, છબીલભાઈ, વારિજભાઈ અને રેણુકાબેન તથા ચૈતાલીબેન

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

14-01-2022

વાહ. ખૂબ સરસ માર્મિક અભિવ્યક્તી.

Chaitali Thacker

14-01-2022

નથી તો તારો ઉદ્દેશ….. વાહ

છબીલભાઈ ત્રિવેદી

14-01-2022

આજનુ નિસર્ગ આહિર નુ કાવ્ય ખુબજ સુન્દર, કોઈ શિલ્પી ઘાટ ઘુટ વગર ના પથ્થર ને કેવો સુંદર ઘાટ આપે છે તેવીજ રીતે કવિ પણ કોઈપણ વસ્તુ ને પછી ભલે તે નિર્જીવ કેમ નહોય પણ પોતાના શબ્દો દ્નારા સુંદર આકાર આપે છે આજ તો તેની સર્જકતા ની મહાનતા છે કવિ શ્રી ને અભિનંદન

Varij Luhar

14-01-2022

નદી કિનારે પ્રાચીન મંદિર.. સુંદર કાવ્ય

Renuka Dave

14-01-2022

વાહ…!
ખૂબ જ સરસ અભિવ્યક્તિ.. માનવીના અસ્તિત્વની મહત્તા અને નગણ્યતાને સાવ સહજતાથી દર્શાવતી રજૂઆત..
સહુ વાચકમિત્રોને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: