કિરણસિંહ ચૌહાણ ~ અંદરની ઘટનાઓ

અંદરની ઘટનાઓ પાસે જઈને બેસું,

ક્યારેક મારા શ્વાસો પાસે જઈને બેસું.

એક મધુર અહેસાસ ફરીથી તાજો કરવા,

સોળ વરસના શબ્દો પાસે જઈને બેસું,

વર્તમાન જ્યારે બહુ પીડે એવે ટાણે,

મારા જૂના મિત્રો પાસે જઈને બેસું.

બહુ શોધું તોપણ તું ક્યાંય મળે નહિ ત્યારે,

હું તારા સંદર્ભો પાસે જઈને બેસું.

જ્યારે જ્યારે હું થોડી ફુરસદ પામું છું,

કૈંક અધૂરી ગઝલો પાસે જઈને બેસું.

ચાલાકીનો અર્થ સમજવા માટે ક્યારેક,

તેં મૂકેલી શરતો પાસે જઈને બેસું.

કિરણસિંહ ચૌહાણ

સરસ ગઝલ. પ્રથમ શેર ભીતરની વાત કરે છે અને અંતિમ શેર વાસ્તવિકતાના બયાન સાથે વિદાય લે છે. ‘સોળ વરસના શબ્દો’ પાસે જઈને બેસવાની વાત વિશેષ ગમી…. શબ્દોની ઉંમર સર્જક માટે સદાય સોળની જ રહેતી હશે ને ! કંઈક સર્જાય ત્યારે પમાતો રોમાંચ એની સાહેદી પૂરે છે. સરસ મજાના કવિ, સંચાલક અને એટલા જ સરસ ગાયક કવિ કિરણસિંહ ચૌહાણને સાંભળવા જેવા છે… 

17.2.22

***

સાજ મેવાડા

17-02-2022

કવિ કિરણસિંહની ગઝલો સુંદર હોય છે, આ પણ ગમી.

Parbatkumar Nayi

17-02-2022

કાવ્ય વિશ્વની મુલાકાત હવે વ્યસન બની ગયું છે

કૉમેન્ટ નિયમિત આપી શકાતી નથી

પણ
લતાબેન ખૂબ ખૂબ શુભેચ્છાઓ
મજા આવે છે

છબીલભાઈ ત્રિવેદી

17-02-2022

કવિ કિરણસિંહ ચૌહાણ નુ કાવ્ય ખુબજ ગમ્યું શેર બધા સરસ દરેક શેર મજા ના ખુબ ખુબ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: