ભાગ્યેશ જહા ~ નોર્મલસી * Bhagyesh Jaha

નોર્મલસી… ભાગ્યેશ જહા

મારા નગરને

નવી નક્કોર નોર્મલસી ઉગી રહી છે,

કો’ક યુવાનને પહેલી વાર દાઢી ઉગે એવી,

આમ જુની પણ સાવ નવી લાગે એવી.

સમી સાંજે આંખોમાં લાઈટો ભરાવી ચાલતાં ઘેટાં જેવાં વાહનો,

પાટા બાંધ્યા પહેલાં ગાંધારીની આંખો હતી

એવી ચોખ્ખી આંખો જેવી બે છોકરીઓ નિશાળ જવાની વાત કરે છે

એ સાંભળીને

હવામાંથી બાકોરું પાડી ઓક્સિજન બહાર આવે છે.

જે ગલીમાંથી ત્રણચાર માણસો સાથેની શબયાત્રાઓ નીકળી છે,

આમ તો હવે બંધ થઈ ગઈ છે,

પણ જાણે હજીયે ત્યાંથી કોઇ ચારપાંચ જણ નીકળ્યા જ કરે છે,

‘રામ નામ સત્ય હૈં’ કહેતા કહેતા…..

નગરના મધ્યમાં આવેલું એક સુંદર સર્કલ [ઘ-ચારનું]

એક રસોળી કાઢતા હોય એમ કાઢી નાંખ્યું,

આ કોરોના દરમ્યાન,

હવે ત્યાં અંડર-પાસ છે,

હમણાં પરીક્ષા વગર પાસ થયેલા છોકરાઓએ

ચીચીયારીઓ પાડેલી તેના પડઘા પડે છે.

બાજુમાં બંધ પડેલો ટાઉનહૉલ થોડો ઘરડો લાગે છે,

જાણે ઓલવાઇ ગયેલો દીવો,

એની કિનારને વળગેલાં અંધારાનાં બગાસાં…

પે’લી બાજુ, આંબાવાડિયામાં વાંદરાઓ તોફાને ચઢ્યા છે,

પ્રોફેસરે રસસિધ્ધાંત ભણાવતાં કહેલું;

“કેરી ખાતા વાંદરાઓને રસનિષ્પત્તિનો ખ્યાલ નથી હોતો”,

ત્યારે વિદ્યાર્થીએ કહેલું;

‘સાહેબ, એવું તમે માનો છો..

કદાચ વાંદરાઓને પોતાનું રસશાસ્ત્ર હોઇ શકે’…

સરકારી કચેરીઓની બહાર ‘ચા’ની લારી પર કાળા અક્ષર ઉકળે છે,

બે નાના નાના વાળવાળા અધિકારીઓ છટકું ગોઠવી,

આનંદની ઉઠાંતરી કરવા જઈ રહેલા બે જણને

રંગે હાથ પકડવાનો ‘પ્લાન’ કરી રહ્યા છે,

ગુલમહોર પર ઠલવાઇ રહેલા તડકાએ

પવનને કાનમાં કહ્યું,

જે કોયલે ગાયું,

‘અલ્યા, સાવધાન થઈ જાઓ,

માણસ હવે નોર્મલ થઈ રહ્યો છે.. “

~ ભાગ્યેશ જહા

આ કાવ્યનું શીર્ષક જરા જુદો વિષય ચીંધે છે અને અંતમાં વળી ત્યાં પહોંચાડે પણ છે પરંતુ મારી દૃષ્ટિએ આ એક મજાનું નગર કાવ્ય છે. નગર કાવ્યો ઓછાં મળે છે. એમાંય આ તો આપણાં પાટનગરનું નગર કાવ્ય એક નાગર કવિની કલમે…   વાંચવું જ પડે….

19.2.22

***

પ્રફુલ્લ પંડ્યા

19-02-2022

શ્રી ભાગ્યેશ જહાંનુ નગર કાવ્ય ધણાં વખતે આપણે ત્યાં આવેલું એક સમૃદ્ધ નગર કાવ્ય છે.કોરોનામાંથી ફરી બેઠાં થ ઈ રહેલાં નગરની વાત સાથે બીજા સન્દર્ભો એટલાં તાજગીપ્રદ અને રિયાલિસ્ટીક છે જે ભાવકને એક નવા નગરમાં પ્રવેશનો યથાર્થ અનુભવ કરાવે છે.જાણે કે કવિની હાથોહાથ હું પણ ગાંધીનગરનો આંટો મારીને આવી જાઉં છું. નગર જીવનની ઝણઝણાટી પંક્તિએ પંક્તિએ અનુભવાય છે.
જહાં સાહેબને ‌હાર્દિક અભિનંદન! ” કાવ્ય વિશ્વ” ની પુનિત પ્રસાદી !

Dipti Vachhrajani

18-02-2022

સાંપ્રત છતાં સદાય શાશ્વત એવી વેદનાઓનો અદભુત ચિતાર. સરસ રચના.

છબીલભાઈ ત્રિવેદી

18-02-2022

નગરનુ કાવ્ય નાગરની કલમે વાહ ખુબ સરસ રચના ભાગ્યેશ ઝાની રચના ઓ ખુબજ માણવા લાયક હોય છે.

સાજ મેવાડા

18-02-2022

બહું આયામી કવિ શ્રી ભાગ્યેશ જહાનું આ નગર કાવ્ય આપણને નગરની વિસંગતાઓ વચ્ચે સફર કરાવે છે.

Kirtichandra Shah

18-02-2022

Throughly enjoyable and meaningful. Dhanyvad BhgyeshJha. Lataben , Thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: