રાજેશ વ્યાસ ~ સર્વ દીવાની * રમણીક અગ્રાવત * Rajesh Vyas * Ramnik Agrawat
મળે
સર્વ દીવાની નીચેથી માત્ર અંધારાં મળે,
કોઈ પણ હો આંખ આંસુ તો ફક્ત ખારાં મળે.
ક્યાં રહે છે કોઈ એનાથી ફરક પડતો નથી,
આ ધરા પર જીવનારા સર્વ વણજારા મળે.
સાવ નિર્મોહી બની ના જાય તો એ થાય શું?
કોઈને જ્યારે બધા સંબંધ ગોઝારા મળે.
આપણે છુટ્ટા પડ્યા તો આપણું કોઈ નથી,
એ સગાંવહાલાં હવે તારાં મળે – મારાં મળે.
જિંદગી આખી બધા ઉલટાવવા એને મથે,
જે સહજ મિસ્કીન વહી જાતી જીવનધારા મળે.
~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
મળેલા જ મળે ~ રમણીક અગ્રાવત
ઘણી વાર આપણને એમ થાય છે કે આ પરિસ્થિતિમાંથી તો હું પસાર થઈ ચૂક્યો છું. આ અત્યારે થતી વાત ક્યાંય સાંભળી છે. ફરી ફરી એ સંભળાઈ રહી છે. કોઈ અવાજ, એનો લહેકો પહેલીવાર સાંભળતાં હોઈએ તો પણ સાંભળેલો હોય એમ લાગે છે. એમ થાય કે મળેલાં જ ફરી ફરી મળી રહ્યા છે! કશીક એકતામાં જાણે સંયોજિત છીએ સહુ. આંસુઓની ખારાશની એકતામાં બધી જ આંખો એક છે. માણસને કેટલીક સહિયારી વસ મળેલી છે, એમાંની આ એક. કોઈ દુ:ખ નાનું કે મોટું હોતું નથી. દુ:ખની પીડા તો સૌની એક. એથી જ તો માણસ માણસનાં દુઃખને પામી શકે છે, માપી શકે છે. માણસને દુઃખ પણ નવાં ક્યાં મળે છે? મળેલાં જ મળે છે. આજ એ એકને મળે છે, કાલ અન્યને એનું એ જ મળશે. જેમ આંસુનો રંગ એક, સ્વાદ એક. એમ માણસોને મળતાં દુઃખ એનાં એ જ. દુઃખની જોડતી કડીમાં બધા જ માણસો જોડાયેલા છે. સરહદો, દેશ, જાતિ, ધર્મ વટાવીને એટલે જ તો માણસ માણસ પાસે પહોંચવા તલસે છે, વલખે છે. પરંતુ માણસ માટે મોટી મુશ્કેલી એ છે કે દુ:ખને ખાળવાના રસ્તે જતો જતો ઘણીવાર એ આડોઅવળો ભમી જાય છે, ક્યાંય ફંટાઈ જાય છે. નાનીમોટી લઘુતામાં પોતે રમી રહે છે એનું જ ઓસાણ એને રહેતું નથી. છતાં—
કોઈ પણ દીવા હેઠળનું અંધારું નવું ક્યાં હોય છે? પ્રકાશ પહોંચાડવાની ચિંતામાં દીવાને પોતાનું જ તળિયું વિસ્મૃત થઈ જતું હશે? દુ:ખની સરહદોમાં ફર્યા કરતો દરેક માણસ આમ જુઓ તો નિરંતર ભમતો વણજારો જ છે. દુ:ખની ખેપ લઈને એ એકથી બીજા મુકામે ફરતો રહે છે. રસ્તોને ઉકેલવાની જદોજદ એને ભુલવાડી દે છે દુઃખની પીડતી અણી. પીડા ભૂલીને કશાક પરમ અર્થ માટે વ્યાકુળ રહેનારા સૌ માણસો વણજારા હોવાના દુઃખને આપોઆપ ઓળંગી જાય છે. આંસુની એકતામાંથી મળતો સધિયારો એને ચાલતો જ રાખે છે.
છતાં સંબંધોની આળપંપાળ એને કદીક અખરે પણ ખરી. એની ના નહીં. પરંતુ સંબંધોને વટીને એકાએક અને એકદમ તો ક્યાં જઈ શકાય છે? નિરાશાની કોઈ પળે અંદરનું પડ ઉતરડાઈ જાય અને પોતાનું જ નિર્મોહી રૂપ આંખ સામે આવી જાય તેમ બને. જોડાયેલા હોઈએ છીએ ત્યારે એકમેકને કસોકસ જોડાયેલા અનુભવીએ છીએ. તાણાવાણામાં ગૂંથાઈ ગયેલી મજબુતી સદ્ધરતાની ખાત્રી આપતી હોય છે. પરંતુ સહેજ છુટા પડ્યા કે એનું એ જ પોત તારતારમાં વિખેરાઈ જતું લાગે. વ્યાપ્તિની ફરફરતી સીમાઓ સંકોચાઈ રહે. સાંકડો ને સાંકડો થતો જતો માણસ પોતાની પણ અંદર પણ માંડ સમાય તેવી લઘુતામાં ભરાઈ રહે. એની આસપાસ તારા-મારાનો વિચ્છેદ સંભળાતો રહે, ઊછળતો રહે. સંબંધોના ભારથી તળિયે બેસી ગયેલો માણસ ઊંચું જુએ તો ય શું જુએ?
આવી આકસ્મિક સાંકડમૂકડ છતાં માણસ થાકતો નથી એના પુરાવાઓ વારંવાર મળતા જ રહે છે. બધી જ ઊથલપાથલ વચ્ચેથી પણ સાબૂત રહી જતો માણસ ક્યાંક ને ક્યાંક હજીયે ભળાઈ જાય છે તે કંઈ નાનીસૂની વાત નથી. એવા માણસોને પગલે પગલે જ વહી રહી છે ક્યારેય ન થાકી, હાંફતી પણ હંફાવતી, નીત નવો રસ્તો ફંફોસતી જીવનધારા.
www.kavyavishva.com
મૂળ પોસ્ટિંગ 5.4.2022
પ્રતિભાવો