અદમ ટંકારવી * Lata Hirani

‘શબ્દના ઝેર ઊતરતાં જ નથી’ 

એક પગલું આંગણે, લાભપંચમ થૈ ગયું 
એક હાલરડું ‘અદમ’, અંતે માતમ થૈ ગયું.

સ્મરણ તારું છે સાતસોછ્યાસી ; યાદ તારી છે શ્રી સવા  જેવી.
ગઝલ લખી દ્યો સીધીસાદી, અદમ ; જીવીકાકીની સવિતા જેવી.

એક મણિબહેન થઇ ગયાં મેરી ;એક હરિભાઇ જે થયા હેરી
પ્યોર ઇંગ્લીશમાં કહો જંકી ; શુદ્ધ ગુજરાતીમાં છે ગંજેરી

કવિ અદમ ટંકારવીની રચનાઓમાં બે સંસ્કૃતિનો સમન્વય, બે ભાષાનો સમન્વય અને બે પ્રદેશોનો સમન્વય સહજ રીતે દેખાય છે. પહેલાં ભારત અને પછીથી બ્રિટન સ્થાયી થયેલા કવિ અદમ ટંકારવી ‘ગુજલિશ ગઝલો’ના પ્રણેતા છે. અદમભાઇને ચાર-પાંચ વખત મળવાનું થયું છે. ત્રણેક વખત કાવ્યપઠનમાં સાથે રહ્યા છીએ. એમને મળીએ ત્યારે એમની સરળતા અને વિવેક તરત સ્પર્શી જાય. અંગત જીવનમાં પૂરા ધાર્મિક, ઓછી જરુરિયાતો અને સાદાઈથી જીવનારા અદમભાઈ ચિંતનના જીવ.

કાવ્યરચનાની શરૂઆત

કિશોરાવસ્થા. નવમા ધોરણનો વિદ્યાર્થી. ‘ઇન્સાન’માં વાંચ્યું કે સુરતમાં એક તરહી મુશાયરો છે, જેની પંક્તિ છે : ‘હવે લાગી રહ્યું છે વારતા પૂરી થવા આવી’. આ પંક્તિ પર એને કવિતા લખવાની ઇચ્છા થઈ. છંદ આવડતા નહોતા પણ લય આત્મસાત હતો. ‘આદમ’માંથી કાનો કાઢીને રાખ્યું અદમ અને સાથે ગામનું નામ જોડી બન્યા ‘અદમ ટંકારવી’. એ પંક્તિને આધારે પ્રથમ ગઝલ લખાઈ જેનો પ્રથમ શેર હતો,

જખમ જીવલેણ છે તેનો તમે કંઇ શોક ના કરશો 

મને સંતોષ છે કે બે ઘડી તમને મજા આવી.

અને કવિ લખે છે, ‘જખમ શેનો હતો ? તેની ગતાગમ નહીં !’ આ ગઝલ ‘ઇન્સાન’માં પ્રગટ થઈ.

માર્ચ 1971માં કવિનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સંબંધ’ પ્રગટ થયો જેમાં પ્રસ્તાવનામાં કવિ જયંત પાઠકે લખ્યું, ‘ગઝલના ક્ષેત્રમાં અદમનો એક પગ પરંપરામાં અને બીજો પ્રયોગમાં જણાય છે.’

સમય હતો એમના વલ્લભાવિદ્યાનગરના નિવાસનો. ગઝલસર્જન ચાલી રહ્યું હતું. કવિમિત્રો સાથે ગોઠડીઓ ચાલતી અને એક સમય એવો આવ્યો કે કવિ આધ્યાત્મના માર્ગે વળી ગયા. ‘ચેતના પાક-નિર્મળ ન થઈ હોય, સ્વ-રૂપની ઓળખ ન પડી હોય, સ્વ-સ્થ ન થયા હોઈએ ત્યાં સુધી શબ્દ દ્વારા વ્યક્ત થવાનો અર્થ ખરો ?’ એવો પ્રશ્ન અંદર ઉદભવ્યો અને સર્જનપ્રવૃતિ છૂટી. મૌનનો ગાળો શરૂ થયો.

આ સકળ વિસ્તાર સાઈલન્સ ઝોન છે 

ખોખરા શબ્દોનું ભોં ભોં ભોં ન કર.

પરંતુ ગઝલ કવિનો પીછો છોડે એમ નહોતી. આખરે એ એમના લોહીમાં વણાયેલી હતી. અને ફરી 1980થી કવિ ગઝલ સાથે રિકનેક્ટ થયા. કવિને ભળાયું કે ‘પરંપરાને રિ-ઇન્ટરપ્રિટ કરવા અને કુંઠિત આધુનિકતાને ઓળંગી જવા તરફની આપણી ગતિ છે.’ ગઝલનું ભાવવિશ્વ અને બાની બદલાઈ. સરળ બાનીમાં સંકુલ ભાવો વ્યક્ત થવા લાગ્યા. વ્યક્ત થવા માટે શબ્દ કેટલો ઊણો ઉતરે છે એની અનુભૂતિ થઈ,

ગઝલના ઓલિયા ગીતોના ભૂવા 

શબ્દના ઝેર ઊતરતાં જ નથી.     

ભાષાની પાર કશુંક છે તે પામવાની અભિપ્સા જાગી. ‘અદમ ટંકારવીની ગઝલોની ચોપડી’માં કવિ ચિનુ મોદીએ ‘અદમમાં કશુંક અનન્ય છે’ એની નોંધ લીધી. કવિ મનહર મોદીએ તો 100માંથી 110 માર્ક્સ આપ્યાનું જાહેર કર્યું. પોતાના સર્જનને ઝીણી નજરે જોનારા કોઈક છે એનો કવિને આનંદ થયો. ‘સિન્થેટીક ગઝલ’ 1973માં લખાયેલી અને 1991માં કવિ બ્રિટન વસ્યા પછી ગુજરાતી ગઝલનું ભાવવિશ્વ સાચવી રાખી, અંગ્રેજીમિશ્રિત ભાષાના વિનિયોગથી શું નીપજે એ જોવાનું કવિને કુતૂહલ થયું અને પ્રારંભ થયો ‘ગુજલિશ ગઝલો’નો. પ્રતીકો કલ્પનો બદલાયા.

ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી

ઇંગ્લેન્ડમાં આવી અને ચોકલેટ થઈ ગઈ.

કે પછી 

જ્યારે જ્યારે તું હની ખીજાય છે,

ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે.

કવિ કહે છે, ‘ગઝલ લખાય ત્યારે સત ચડતું હોય એવો અનુભવ ક્યારેક થાય છે. ભગવા –‘તસવ્વુફ’ તરફનું આકર્ષણ જન્મજાત હશે એમ કવિને લાગે છે આથી ચૌદ વર્ષની ઉમરે લખેલી પ્રથમ ગઝલમાં અનાયાસ આવેલો એક શેર યાદ કરે છે,

કદમ પણ થઈ ગયા ભારે, હૃદય પણ જોરથી ધબક્યું

જરા કોઈ બતાવી દે મને, આ કઈ જગા આવી ?

બ્રિટનમાં વસવાટ પછી વતનઝૂરાપા ઉપરાંત ગુજરાતી ભાષાનો ઝૂરાપો પણ આવ્યો અને એમાંથી ગઝલો  નીપજી. ગુજરાતી ભાષા પરત્વે એમને ઊંડી નિસ્બત છે અને તેના લુપ્ત થવા વિશે ચિંતા વ્યક્ત કરતાં તેઓ કહે છે,

ગુર્જરી વ્યવહાર શોધું છું, ધાણીફૂટ બોલનાર શોધું છું

જડી છે એક લાવારિસ ભાષા, હું એનો દાવેદાર શોધું છું.

સુફીવાદમાં શ્રદ્ધા ધરાવનાર અદમભાઈની કવિતા સાદી સરળ અને સહજ સ્વરૂપ ધરાવે છે પણ એમાં અભિવ્યક્તિનું ઊંડાણ અને અર્થસંકુલતા અચરજ પમાડે એવાં છે. આજે એમને ગઝલચર્ચા ઉપરાંત ગમે છે તો સૂફી સંતોની વાતો. પરમતત્ત્વ સાથે સંવાદ રચાય અને માલિક રાજી થાય એવું જીવન જીવાય, એ કવિ માટે સૌથી અગત્યનું છે. દુનિયામાં રહેતાં દુનિયાથી અલિપ્ત રહેવાની કોશિશ એ એમનો જીવનમંત્ર છે. છેલ્લે એક શેર જુઓ.

એ જ લિખિતંગ હું છું સ્નેહાધીન અદમ

તા.ક. જીવ-ને ખૂબ કળતર થાય છે.

સાચી વાત છે અદમભાઇ, કવિતા અને જીવના કળતરને ક્યારેય ન છૂટે એવો ઊંડો સંબંધ છે. 

***

કવિના હસ્તાક્ષરમાં એક ગઝલ ‘સંચય’ વિભાગમાં જુઓ.

કવિની ગઝલ

નફા તોટાનો ખ્યાલ ન કર ; ફકીર સાથે ભાવતાલ ન કર.

આમાં કવિ રિષભ મહેતાનું સુંદર સ્વરાંકન છે.

રિષભ મહેતા અને ગાયત્રી ભટ્ટના અવાજમાં નીચેની લિન્ક પરથી સાંભળી શકશો   

***

ડો. અદમ ટંકારવી : મૂળ નામ આદમ મુસાભાઈ પટેલ (ઘોડીવાલા)  

જન્મ : 27 સપ્ટેમ્બર 1940 ટંકારીઆ (ભરુચ જિલ્લો)  

માતા-પિતા : આયેશા મુસાભાઈ   જીવનસાથી : અમીના   નિવાસ : બોલ્ટન, યુકે  

સંતાનો : શમીમ, જૈબુન્નિસા, મુનીરા, ઇકબાલ, ઇલ્યાસ

કાર્યક્ષેત્ર : લેખન, અધ્યાપન   સર્જનક્ષેત્ર : કવિતા,  નિબંધ, પ્રવાસવર્ણન

કાવ્યસંગ્રહો અનેકવિતાસંબંધિતપુસ્તકો

  1. ‘સબંધ’ 1971  2. ‘ગુજરાતી ગઝલ’ 1990   3. અદમ ટંકારવીની ગઝલોની ચોપડી’ 1997    4. ગુજલિશ ગઝલો’ 2001    5. ‘રિઝામણું’ 2003     6. અમેરિકન અનુભૂતિની ગઝલો’ 2004   7. ‘૧૦૮ ગઝલો’ 2006   8. ‘તમા’ 2008   9. ‘ઓથાર’ 2009    10. ‘અડસઠ’ 2011   11. ‘સરત’ 2012       12. ‘ગઝલમય’ 2013   13. ‘૭૮૬ ગઝલો’ (સમગ્ર) 2014   14. The Old Flame 2018 (ઈંગ્લીશ ગઝલ)  15. ‘અરોમા’ (અહમદ ગુલની ગઝલોનો અનુવાદ) 2005   16. ‘અહીંથી’ (અંગ્રેજ કવયિત્રી જુલી બોડનની કવિતાઓનો અનુવાદ) 2006   17.  ‘નખશિખ’ (સંપાદન: હરીશ મીનાશ્રુ, રાજેન્દ્રસિંહ જાડેજા, જયેન્દ્ર શેખડીવાલા સાથે) 1977  

કાવ્યસંગ્રહો અને કવિતાને લગતા પુસ્તકો સહિત કુલ પ્રકાશિત પુસ્તકો : 21

સન્માનો:

1.      INT નો પ્રતિષ્ઠિત ‘કલાપી’ એવોર્ડ 2011

2.      ગુજરાતી સાહિત્ય પરિષદ પરિતોષિક

3.      ગુજરાત સાહિત્ય અકાદમી પરિતોષિક

4.   જયંત પાઠક કવિતા પુરસ્કાર   

ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે કવિ અદમ ટંકારવીની કેફિયત અને કાવ્યપઠન આ લિન્ક પર સાંભળો।

OP 22.5.21

~ લતા હિરાણી

***

દીપક વાલેરા

26-06-2021

ખૂબ સુંદર રચના

sneha patel

17-06-2021

ખૂબ જ સુંદર પરિચય. અદમભાઈએ મારા પુસ્તક અક્ષિતારક પ્રસ્તાવના લખેલી છે એનો અનેરો આનંદ, ગર્વ. એમના વિશે જાણતી હતી પણ વધુ જાણવા મળ્યું

kishor Barot

27-05-2021

આદરણીય અદમ સાહેબને આદરભર્યાં વંદન 🙏

મનોહર ત્રિવેદી

25-05-2021

અદમમાં મજા આવી વરસોથી પરિચય. એમનો પરિચય ખૂબ ચોક્સાઈ સાથે અપાયો. કોણે લખ્યું છે?
બાકીના વિભાગો પણ ગમ્યા.

છબીલભાઈ ત્રિવેદી

24-05-2021

આજનુ કાવ્ય વિશ્ર્વ નુ કાવ્ય ખુબજ ગમ્યું આભાર લતાબેન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

23-05-2021

શાયર અદમ જી ગુજલિશ ગઝલોના પ્રણેતા છે. ખૂબ માહિતી સભર લેખ.

છબીલભાઈ ત્રિવેદી

23-05-2021

કવિ શ્રી ટંકારવી સાહેબ વિશે ખુબજ રસપ્રદ અને વિસ્તૃત માહિતી આપી ખુબજ સરસ ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: