કવિ અને કવિતા : હરિકૃષ્ણ પાઠક * Harikrushna Pathak * Lata Hirani
કવિ હરિકૃષ્ણ પાઠક કવિતાને એક રસાયણ કહે છે. જે શબ્દને પ્રેમ કરે, જે કવિતાને પ્રેમ કરે એના માટે ખરે જ કવિતા સંજીવની બની રહે છે. કવિ કહે છે, “કવિતા વાંચતો કે સમજતો થયો તે પહેલાં તે મને સંભળાઈ જતી.”
કવિ પોતે સાયન્સના વિદ્યાર્થી પરંતુ કવિતા રચવાની ફાવટ તેમને પહેલેથી જ હતી. અમદાવાદ આવ્યા પછી બુધસભામાં જોડાયા, ઘડાયા અને પ્રથમ કાવ્યસંગ્રહ ‘સૂરજ કદાચ ઊગે’ પ્રકાશિત થયો. કવિને માટે ગૌરવપૂર્ણ ઘટના એ છે કે 1966માં કવિની પ્રથમ રચના પ્રકાશિત થઇ અને 1967માં કવિને ‘કુમારચંદ્રક’ પ્રાપ્ત થયો !
એમની રચનાઓમાં અંગત સંવેદનાને વ્યક્ત કરતાં કાવ્યો, રંગદર્શી-પ્રણયરંગી કવિતાઓ, નર્મ-મર્મની કવિતાઓ, અધ્યાત્મરંગી રચનાઓ તથા માયાવી સૃષ્ટિ તરફ લઈ જતા કાવ્યોનો પણ સમાવેશ થાય છે. ‘જળમાં લખવા નામ’ કાવ્ય કવિની ઓળખ સમું બની ગયું છે.
પર્યાવરણના થઈ રહેલા વિનાશે કવિને વ્યથિત કર્યા અને એ વ્યથાના ઉદગાર સ્વરૂપે કવિએ ઘણાં કાવ્યો આપ્યા. એમની કવિતામાં ક્યાંક ભગવો રંગ પણ મળે છે. કવિ સાદી, સરળ, બોલચાલની ભાષામાં પણ વૃત્તબદ્ધ રચનાઓ રચી શકે છે. જુઓ
લીલી ધરા ભીતર બહાર ખીલી
ગાતો વહે મંદ સમીર ભીનો
ભોંયે પડ્યાં ચાંદરણે સરે હજી
શા મેઘના જરકસી જરિયાન ખેસ !
કવિના ઘણાં કાવ્યોમાં એમના ગામના આવા શબ્દચિત્રો આલેખાયાં છે.
પદ્ય હોય કે ગદ્ય, હાસ્યવ્યંગ્ય એમની કલમને ઘણા માફક આવ્યાં છે. નર્મ-મર્મને લઈને તેમણે કરેલી રચનાઓના શીર્ષક જુઓ, ‘અડવાપચીસી’, ‘ઢગાપંચક’ ! જે કવિ ‘જળમાં લખવા નામ’ જેવી નિતાંત સુંદર, ગંભીર રચના આપે છે એ જ ‘ઢગાપંચક’ લખવા પણ પ્રેરાય છે. આવા તો અનેક કાવ્યો કવિએ આપ્યાં છે. કવિને થતા માનવીય પ્રશ્નો અંગે તથા સામાજિક-રાજકીય પ્રશ્ને પોતાનો પ્રતિસાદ હાસ્યવ્યંગ્યમાં ઢાળીને આપે છે. કાવ્યસંગ્રહ ‘અડવાપચીસી’માં જુઓ,
આમ તો અડવો જો કે પહેલેથી બાંગરો હતો
કો’ક વેળા અમસ્તો એ મૂગોમંતર થૈ જતો.
તરંગે ચડતો ત્યારે ભૂલીયે જાય જાતને
આળસુ હોત ઓછો તો મોટો માણસ થાત ને ?!
અને છેલ્લે કવિ લખે છે,
લખેલા લેખ તો જો કે મિથ્યા થાય કદી કદી
જીવતો અડવો રહેશે – જીવે માણસ જ્યાં લગી.
કાવ્યસંગ્રહ ‘અડવાપચીસી’ને કવિ ઉમાશંકર જોશીનો રાજીપો પ્રાપ્ત થયેલો.
માનવનિયતિના પ્રશ્ને કવિએ ‘મેં કા કરું કહોજી’નું સપ્તગુચ્છ હિંદીમાં રચ્યું છે. તો પોતાની જ જ્ઞાતિને લક્ષ્ય બનાવીને ‘જ્ઞાતિના દૂહા’ રચ્યા !
‘ઘટના ઘાટે’માં કવિના હૃદયે ચડેલો ભગવો આપણાં સુધી પહોંચે છે.
અમને પડ્યા પીડના હેવા
અંગ-ઉધાર લીધી છે, દૂજો કેમ ચૂકવે દેવાં ?
પોતાની રચનાઓ એકધારી ન થતી જાય એ માટે કવિ હંમેશા જાગૃત રહ્યા છે. એટલે તેમણે સમય સમય પર કવિતા સિવાયના અન્ય ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર સર્જન કર્યું. કવિને બાળસાહિત્યમાં પણ એટલો જ રસ છે. એમણે બાળકાવ્યોના સંગ્રહ આપ્યાં છે એટલું જ નહીં બાળસાહિત્યનું યોગ્ય વિવેચન નથી થતું એ અંગે કવિને દુખ છે.
કવિનું વિધાન છે, “કવિના લલાટે ‘આનંદનું ભોજન’ કદાચ લખાયું હશે પણ તેની જોડાજોડ પીડાનો પાટલોયે મંડાવાનો !”
કદાચ આ બધા કવિઓ માટે સાચું નથી ?
સર્જન
સર્જનના ક્ષેત્રો : કવિતા, વાર્તા, નિબંધ, પ્રવાસ, હાસ્ય-વ્યંગ્ય, વિવેચન.
કાવ્યસંગ્રહો (10)
1.સૂરજ કદાચ ઊગે 1974 (ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત)
2. કોઈનું કંઇ ખોવાય છે (બાળકાવ્યો) 1981 (ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત)
3. અડવા પચ્ચીસી (કટાક્ષકાવ્યો) 1984
4. જળના પડઘા, 1995 (જયંત પાઠક પુરસ્કાર)
5. હલ્લો ફૂલ્લો (બાળકાવ્યો) 2004
6. રાઈના ફૂલ (હાસ્ય કટાક્ષ કાવ્યો) 2005
7. ઘટના ઘાટે 2009
8. સાક્ષર બોતેરી (લઘુ ચરિત્ર કાવ્યો) 2011
9. જળમાં લખવા નામ (સમગ્ર કવિતા) 2011
10. અવધિ 2020
કવિને મળેલા મહત્વપૂર્ણ એવોર્ડ્સ તથા સંમાનો
નરસિંહ મહેતા એવોર્ડ
ધનજી કાનજી સુવર્ણચંદ્રક
નર્મદ ચંદ્રક
ક્રીટીક્સ એવોર્ડ
કુલ પુસ્તકો (34)
દસ કાવ્યસંગ્રહો ઉપરાંત
નવ પુસ્તકો વાર્તા, ચરિત્ર, નિબંધ, વિવેચન, કિશોર કથા અને હાસ્યકથા અંગેના
અને પંદર સંપાદનો
છેલ્લાં 23 વર્ષથી ‘અખંડ આનંદ’માં ‘કાવ્યકુંજ’ વિભાગનું સંપાદન કરે છે. (લખ્યા તારીખ 5.8.2021)
જીવન
કવિ હરિકૃષ્ણ પાઠક
જન્મ : 5.8.1938 બોટાદ
વતન : ભોળાદ (તા. ધોળકા જિ. અમદાવાદ)
માતા-પિતાનું નામ : મોંઘીબહેન રામચંદ્રભાઈ
જીવનસાથી : ચંદ્રિકાબહેન
સંતાનો : છ
વ્યવસાય : સરકારી નોકરી (નાયબ સચિવ તરીકે નિવૃત્ત, 1996)
અન્ય શોખ : ચિત્રકળા વિશેષ કરીને કાર્ટૂનકળા
લતા હિરાણી
OP 6.8.21
કવિ હરિકૃષ્ણ પાઠક સર્જક અને સર્જન – વિડીયો – સૌજન્ય : ગુજરાત સાહિત્ય અકાદમી
હરિકૃષ્ણ પાઠક સાહેબની પ્રતિભાને વંદન. એમનાં કાવ્યો ખૂબ ગમ્યાં છે. ‘મેઘના જરકસી જરિયાન ખેસ ‘ આવી સુંદર કલ્પના પાઠક સાહેબ જ કરી શકે. અભિનંદન 💐💐💐 અને વંદન 🙏
કવિ શ્રી હરિકૃષ્ણભાઇ પાઠકને જન્મ દિવસની સુકામનાઓ પાઠવું છું.
ખુબ સરસ અભિનંદન
મારા પ્રેરણામૂર્તિ પાઠક સાહેબને જન્મદિવસ નિમિત્તે વંદન!