હરિકૃષ્ણ પાઠક ~ સર્જનહાર સમેત * આસ્વાદ ~ Vivek Tailor * Harikrushna Pathak
સરસર સરસર ઝાડ-પાંદડે
ફરફર ઊડે બારીમાં
તડતડ ધડધડ છાજ-છાપરે
સરતરબોળ અટારીમાં.
કાગળની હોડીમાં તરતી
ગલી ગલી કલશોર ભરી
ભીંત અઢેલી ઊભાં ઢોરાં
રુંવે રુંવે રોમાંચ ધરી.
મન વિરહીનાં આકુળ-વ્યાકુળ
હળ્યાં-મળ્યાંનાં છલકે હેત,
સચરાચર સુખ-સાગર છલકે
મલકે સર્જનહાર સમેત.
~ હરિકૃષ્ણ પાઠક
ક્યારેક કૃતિનો વિચાર વિસ્તાર કરવાના બદલે સર્જકની તકનિક વિશેની વાત પણ વધુ રસદાર હોઈ શકે.
• છંદવિધાન: ત્રીસો સવૈયો – એકી પંક્તિમાં સોળ અને બેકીમાં ચૌદ માત્રા. ગાગાગાગા, ગાલલગાગા, ગાલગાલગા, લગાલગાગાની રેવાલ ચાલ જેવી પ્રવાહી ગતિ વરસાદની રવાની તાદૃશ કરી આપે છે.
• ઓનોમેટોપિઆ: રવાનુકારી શબ્દોના પ્રયોગથી “અવાજ”ને “ચાક્ષુષ” કરવાની કળા. સરસર સરસર ફરફર તડતડ ધડધડ સરતરબોળ – કવિએ આકાશમાંથી મુશળધાર વરસતા વરસાદની ગતિને કેવી આબેહૂબ રીતે ઉપસાવી આપી છે.
• પ્રાસરચના : શરૂઆતની ચાર પંક્તિમાં a-b–a-bની ચુસ્ત પ્રાસરચના પ્રયોજ્યા પછી કવિ માત્ર એકી સંખ્યાની કડીઓને પડતી મૂકી માત્ર બેકી સંખ્યાની કડીઓમાં પ્રાસ યોજે છે, જાણે વચ્ચેના પ્રાસ અનવરત વરસાદમાં ધોવાઈ ન ગયા હોય…
• વર્ણાનુપ્રાસ: સરસર સરસરના ચાર સ અને ચાર ર, ગલી ગલી, છાજ-છાપરે, ભીંતના ભ સાથે ઊભાંનો ભ અને અઢેલીના ઢ સાથે ઢોરાંનો ઢ, રુંવે-રુંવે રોમાંચના ત્રણ ર, હળ્યાં સાથે હેત, સચરાચર સાથે સુખ અને સાગરના સ, સર્જનહાર સાથે સમેતનો સ – વરસાદના ટીપાં એક પછી એક એકસરખા પડતાં હોય એવો ભાસ કવિ કેવો બખૂબી આટલી નાની કવિતામાં એક પછી એક વર્ણાનુપ્રાસ પ્રયોજી ઊભા કરી શક્યા છે !
• પાણીની જેમ એક પંક્તિમાંથી બીજીમાં ઢોળાતો નાદ – ઝાડ-પાંદડે પછીની પંક્તિમાં ઊડે, ભરીના ભ પછીની પંક્તિમાં તરત આવતો ભીંતનો ભ, ઢોરાંના ર ને પકડી શરો થતો આગલી પંક્તિના રુંવે રુંવે નો ર, આકુળ-વ્યાકુળના ‘ળ’નું આગલી પંક્તિના હળ્યાં મળ્યાંમાં ઢોળાવું, છલકે પછી તરત આવતો મલકેનો ઉપાડ- કવિએ વરસાદની ગતિને કેટકેટલી તરેહથી મૂર્ત કરી આપી છે !
~ વિવેક ટેલર
વરસાદની આ મોસમ. વરસાદનું આ કાવ્ય અને વિવેકભાઈએ કાવ્ય ટેકનીક વિશે કેટલી સરસ, અર્થપૂર્ણ વાતો લખી છે. કવિતા શીખવા માગતા નવોદિતોને ખૂબ કામ આવે એવી. આભાર લયસ્તરો.
લતા હિરાણી
સરસ કાવ્ય નો ઉત્તમ આસ્વાદ આપની ટિપ્સ પણ ઉપયોગી
મને રસખાન યાદ આવ્યા.
सेस गनेस महेस दिनेस, सुरेसहु जाहि निरंतर गावै।
जाहि अनादि अनंत अखण्ड, अछेद अभेद सुबेद बतावैं॥
नारद से सुक व्यास रटें, पचिहारे तऊ पुनि पार न पावैं।
ताहि अहीर की छोहरियाँ, छछिया भरि छाछ पै नाच नचावैं॥
चन्द्रशेखरभाई ने उचित संदर्भ दिया। धन्यवाद।
વિવેકભાઈએ કાવ્યશૈલીના બધાં ભેદ ખોલી આપ્યા. આભાર.