કૃષ્ણલાલ શ્રીધરાણી ~ અસંખ્ય મુજ બાંધવો * Krushnalal Shridharani 

અસંખ્ય મુજ બાંધવો ~ કૃષ્ણલાલ શ્રીધરાણી

અસંખ્ય મુજ બાંધવો રવડતા, સડ્યાં ચીંથરાં
ધરી શરીર-માળખે કકડતી ધ્રૂજે ટાઢમાં;
સહે સળગતા બપોર-દવ ચૈત્ર-વૈશાખના,
વિતાન ઘર-છાપરું : દિશ દીવાલ : શય્યા ધરા!

અસંખ્ય મુજ રાંકડાં કકળતાં રહે લાડકાં
ભૂખે ટળવળી : અને હૃદય દુઃખના તાપમાં
બળી-સમસમી પડે સકળ પાશવી પાપમાં.
રમે મરણ જીવને અતુલ માનવીનાં મડાં.

પરંતુ નવ હું સ્તવું વચન આળપંપાળનાં,
ન ઇચ્છું લવલેશ લ્હાવ ધન, વસ્ત્ર કે ધાન્યના;
સહો સખત ટાઢ ને પ્રખર તાપ મધ્યાહ્નના,
મરો ટળવળી મુખે હૃદયહીન દુષ્કાળના!

સહુ વીતક વીતજો! વિઘન ના નડો શાંતિનાં!
બળી-ઝળી ઊઠી કરો અદમ નાદ સૌ ક્રાંતિના!

~ કૃષ્ણલાલ શ્રીધરાણી

પૃથ્વી છંદમાં લખાયેલું આ કાવ્ય એક જુદી જ, ખળભળાવી મૂકતી વાત લઈને આવ્યું છે.

બ.ક.ઠાકોર જેવા દુરારાધ્ય વિવેચકે જેમને ઉમાશંકર જોશી કે સુંદરમ જેવા કવિઓ કરતાં જરા ઉપર મૂક્યા છે એવા આ કવિ ઊફરી વાત કરે છે.. શાંતિને વિઘન ગણે છે અને કહી ઊઠે છે કે સહુ વીતક વીતજો, ભલે બધું બળે-ઝળે….. કવિ માને છે કે જેમ જંગલમાં દવ લાગે પછી હરિત ધરા ઝૂમી ઊઠે છે એમ જ પીડા વેઠયા વગર ક્રાંતિ ન થાય…    

ઓછા યાદ કરાતા કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીની જન્મશતાબ્દી ઉજવાઇ ગઈ. ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે ગયા વર્ષથી ‘કૃષ્ણલાલ શ્રીધરાણી એકેડેમીક ચેર’ સ્થપાઈ છે.  કવિને  શતશત વંદન.  

OP 27.9.22

***

Devika Dhruva

28-09-2022

કવિ શ્રી શ્રીધરાણીની એક ખૂબ જૂની, સુંદર કવિતા ‘પૂજારી પાછો જા’ યાદ આવી ગઈ.’ઘંટના નાદે કાન ફૂટે….પૂજારી પાછો જા..

છબીલભાઈ ત્રિવેદી

27-09-2022

ક્રાંતિ કરવા માટે બધુ સહન કરવું પડે તે વાત કવિ એ ખુબજ સરસ રીતે કરી છે ઘસારા વિના નવરચના સંભવ નથી સરસ કાવ્ય આભાર લતાબેન

સાજ મેવાડા

27-09-2022

ગાંધીજી ની અસર તળે પૂર્વ સૂરીઓએ ક્રાતિની કવિતા ના રચી હોય એમ બન્યું નથી. ખૂબ જ સરસ સોનેટ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: