પ્રહલાદ પારેખ ~ વર્ષાની ધારણા : આસ્વાદ ~ ધીરુભાઈ ઠાકર * Prahlad Parekh * Dhirubhai Thakar

વર્ષાની ધારણા

કોણે આકાશથી અવનિને ઉર
આ તાર સાંધિયા ?
અંગુલિ વીજની કોણે આ ફેરવી
શુષ્કતા વિદારતાં ગીત છેડિયાં ? … 

ગીતે એ થનથન નાચે છે મોરલા
ટહુકારે વન વન વ્યાપી રહ્યાં
રૂમઝૂમ ઝરણાંઓ નાચતાં
પર્વતના બંધ સૌ તૂટી ગયા….. 

ચારે તે આરે ભેટે સરોવર
નદીઓને હાથ ના હૈયાં રહ્યાં
ગીતે એ વનવન સમૃદ્ધિ સાંપડી
શુષ્કતા-ભુજંગપાશ તૂટી ગયા…..

ગીતે એ આભમાં નાચે છે વાદળી
પોઢ્યાં અંકુર સૌ ઊભાં થયાં
પૃથ્વીના પ્રાણનાં થંભેલા વ્હેણ સૌ
તાલે એ ગીતના વ્હેતાં થયાં….  

~ પ્રહલાદ પારેખ

આસ્વાદ ~ ધીરુભાઈ ઠાકર

શ્રી ઉમાશંકર જોશીનો જેમને નવીનતર – એટલે કે પોતાની પછીની પેઢીના કવિ કહ્યા છે તેમાં શ્રી પ્રહલાદ પારેખ (1912-1962) સૌ પ્રથમ આવે. તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘બારી બહાર’ (૧૯૪૦)માંથી ઉપરનું કાવ્ય લીધેલું છે. ઉમાશંકર અને સુન્દરમના લગભગ સમવયસ્ક હોવા છતાં ગાંધીયુગનો સ્પર્શ જાણે કે આ કવિએ પોતાની કવિતાનો થવા દીધો નથી. તેમની કવિતામાં આત્મલક્ષિતાનું અંતર્મુખતાનું વલણ ધ્યાન ખેંચે છે. અસહકારની લડતમાં પ્રત્યક્ષ ભાગ લીધો હોવા છતાં તેમની કવિતામાં ગાંધી, સ્વાતંત્ર્ય કે સત્ય-અહિંસાનો ખાસ પ્રભાવ જોવા મળતો. નથી. તેમની પાસેથી પ્રકૃતિ, પ્રેમ અને પ્રભુ વિશેના સંવેદનમાંથી સહજ સ્ફુરતાં કાવ્યો મળે છે. તેઓ આગલી પેઢીના કવિ કરતાં વિશેષ સૌન્દર્યાભિમુખ છે.

વર્ષા પ્રહલાદનો પ્રિય વિષય છે. વર્ષાના વિભિન્ન રંગ અને રવભરેલાં ગતિશીલ ચિત્રો તેમની વાણીમાંથી પ્રગટે છે; દા.ત. ઉપરનું કાવ્ય જુઓ. કવિ કહે છેઃ

વર્ષાની ધારના કોણે આકાશથી, અવનિને ઉર આ તાર સાંધિયા ?

અંગુલી વીજની કોણે આ ફેરવી, શુષ્કતા વિદારતાં ગીત છેડિયાં ?

–એ પ્રશ્રની સાથે કવિ પૃથ્વીના પ્રાણને વર્ષાની ધાર સાથે તાલ લેતો દર્શાવે છે.

વર્ષાનું આગમન પૃથ્વીવાસી માનવ માટે નિત્યનવીન આશ્ચર્ય અને આનંદનો વિષય છે. વર્ષાના આગમન પહેલાં પૃથ્વી, વન, પર્વત અને નદી વગેરે શુષ્કતાના ભુજંગપાશમાં બંધાયેલાં હતાં. વીજળીની આંગળી ફરતાં એ શુષ્કતાને નામશેષ કરતાં ગીતો એકાએક સરી પડે છે – પ્રગટ થાય છે!

આ ગીતોનો પ્રભાવ, સર્વવ્યાપી, ચમત્કારિક છે. આ ગીતોના તાલ સાથે મોરલા નાચવા લાગે છે. વનવનમાં તેમના ટહુકાર ફેલાઈ જાય છે. પર્વતના બંધ તોડીને, ઝરણાં એ ગીતના તાલ સાથે રૂમઝૂમ રૂમઝૂમ કરતાં વહેવા લાગે છે. વર્ષાની ધાર સરોવરને ચારે કાંઠે ભેટે છે અને નદીઓ ? વર્ષાનાં ગીતે નદીઓને ઘેલી કરી મૂકી છે. એ ગીતોના તાલે હૈયાં ખોલીને નદીઓ નાચવા લાગે છે. વર્ષાનાં આ ગીતોએ વનોને લીલાંછમ કરી દીધાં છે. એ રીતે શુષ્કતાનું નામનિશાન રહ્યું નથી. આ ગીતના તાલે આભમાં રહેલ વાદળી પણ નાચવા લાગે છે. તેને પરિણામે તૃણનાં પોઢેલાં અંકુર ટટ્ટાર થઈ જાય છે. અને એમ પૃથ્વીના સ્થગિત થયેલા પ્રાણમાં નવી ચેતના આવે છે. સૃષ્ટિ આખી આનંદથી પ્રફુલ્લિત થાય છે. અહીં આપણને કાન્તના‘સાગર અને શશી’ કાવ્યની પેલી પંક્તિ વાદ આવે :

પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

પ્રહલાદની શક્તિનો વિશિષ્ટ ચમકાર ગીતોમાં દેખાય છે. સાહજિક ભાવાભિવ્યક્તિને કારણે પ્રહલાદનાં ગીતો ગાવાનું મન થાય છે. ઉપરની રચનામાં ગતિના તાલે નાચતા મોરલા, વહેતાં ઝરણાં, આનંદપુલકિત નદીઓ અને ટ્ટાર થતાં તૃણાંકુર કેવી સહજ રીતે વર્ષાના સંગીતનો સાર્વત્રિક પ્રભાવ દર્શાવે છે !

અમૂર્ત અને વાયવ્ય સ્વરૂપના ભાવને મૂર્તરૂપ આપવામાં પ્રહલાદે લય અને ધ્વનિ પાસેથી ઉત્તમ કામ લીધું છે. છટકણા ભાવને ઇન્દ્રિયગ્રાહ્ય, સ્પર્શક્ષમ બનાવવાનો કીમિયો પ્રહલાદને સહજસાધ્ય છે. તેને કારણે તેમની રચનાનો કસબ સાફસૂતરો લાગે છે. ઉમાશંકર તેના માટે ‘નીતરાં પાણી’ એવો શબ્દપ્રયોગ કરે છે.

ઇબારત અને અભિવ્યક્તિ બંનેમાં ગુજરાતી કવિતા આમ પ્રહલાદ પારેખથી નવો વળાંક લે છે. એ વળાંક પર આ કાવ્ય ઊભેલું દેખાય છે.

– ધીરુભાઈ ઠાકર 

મૂળ પોસ્ટિંગ 5.2.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: