મણિલાલ હ. પટેલ ~ પંખીઓ ગાય * Manilal H Patel

પંખીઓ ~ મણિલાલ હ. પટેલ

પંખીઓ

પંખીઓ ગાય છે ને થાય છે કે

એ તો મારે માટે ગાય છે

બાકી તો પડછાયા આવે ને જાય છે.

પંખીઓ ગાય છે તો અજવાળું થાય છે

બાકી તો અંધારે સઘળું લીંપાય છે

કોઈ કહે છે કે

પંખી તો ઝાડ માટે ગાય છે

એટલે તો કૂંપળની કળી બની જાય છે

કોઈ કોઈ એવું પણ કહે છે કે

પંખી તો પ્હાડ માટે ગાય છે

એટલે તો કાળમીંઢ ડૂમો પણ

કલકલતું ઝરણું થૈ જાય છે.

પંખી તો માટીની મોજ સારુ ગાય છે

એટલે તો કૉળેલું તરણું પણ

ડૂંડાંથી લ્હેરાતું ખેતર થૈ જાય છે.

સાચ્ચું પૂછો તો, ભૈ!

કલરવતાં પંખીઓ મર્મરતી મોસમ થૈ જાય છે

પંખીઓ ગાય છે ને આપણા તો

બત્રીસે કોઠામાં દીવાઓ થાય છે.

~ મણિલાલ હ. પટેલ

પંખીઓ ગાય ત્યારે હૃદયમાં દીવાઓ થાય…

પંખીઓ ગાય ને મોસમ આખી ટહુકાય….

પંખીઓના ગીત સાંભળીને જ પહાડને ઝરણાં ફૂટે… નહીંતર એ કાળમીંઢ નો કાળમીંઢ જ રહે…

હૃદયને આરપાર ઉતરી જતું કાવ્ય અને સૌંદર્યથી છલકતું !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: