નિનાદ અધ્યારુ ~ રોટલો છોડીને * Ninad Adhyaru

રોટલા છોડીને ~ નિનાદ અધ્યારુ 

રોટલા છોડીને પિત્ઝા ખાય છે
માણસો અંતે તો ઈચ્છા ખાય છે.

આખો દિવસ કામ કરતી ગૃહિણી
રાત પડતાં પગનાં ચીરા ખાય છે.

દૂર બેસી એકલો રિસેસમાં
છોકરો નાસ્તામાં કિટ્ટા ખાય છે.

શહેર બિલ્લીપગ પધારી ગામડે
રોજનાં બે-ચાર વીઘા ખાય છે.

એક બાજુ જીવ પંખીનો બચાવ
ને બીજી બાજુ તું ઈંડા ખાય છે ?

માણસો ખાઈ નથી શકતાં ‘નિનાદ’
જેટલી માણસને ઈર્ષા ખાય છે.

~ નિનાદ અધ્યારુ

રોટલા છોડીને પિત્ઝા ખાય છે એ તો આજની વાત થઈ પણ એની પાછળ ‘માણસ અંતે તો ઈચ્છા ખાય છે’ કહીને કવિને એક શેરને ઊંચાઈ બક્ષી દીધી. બીજા અને ત્રીજા શેરમાં પણ એ જ યુક્તિ. પ્રથમ પંક્તિ એક રોજીંદી ઘટનાનું બયાન અને બીજી પંક્તિમાં એનો કાવ્યત્વથી શણગાર. નાસ્તામાં કિટ્ટા ખાવાની વાત કંઈક નોખી છે ને !    

‘શહેર બિલ્લીપગ પધારી ગામડે, રોજનાં બે-ચાર વીઘા ખાય છે’ સચ્ચાઈ કેટલી સરસ રીતે કાવ્યાત્મકતાથી આવી છે ! એવો જ છેલ્લો શેર ! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: