મણિલાલ હ. પટેલ ~ ટેકરીઓની સોડે વસતું * Manilal H Patel
તને ગમે એ તારું ગામ ~ મણિલાલ હ. પટેલ
ટેકરીઓની સોડે વસતું ચાહત નામે મારું ગામ
પાદરવડ પર ધજા ફરકતી : સીમ સાચવે સીતારામ
સાચા માણસના મન જેવું આસોનું નીરજ આકાશ
ખેતર ખેતર ચેતન ધબકે સંભળાતા માટીના શ્વાસ.
સીમ બની ગૈ સોનું સોનું મ્હેકી ઊઠી જીરાશાળ
ડુંગર પરથી ઉતરે નીચે : પવન ઝુલાવે આંબાડાળ
મકાઈ પાકી : ખળાં ભરાયાં : ગામ રમે છે ગરબા-રાસ
સવાર લાવે ઝાકળ મોતી : અંતરમાં પ્રગટે અજવાસ
સૂરજ રમતો સાંજ સવારે પડછાયાઓ ભરતા ફાળ
સીમ વડેથી વળતી વહુઓ પોરો ખાતી સરવરપાળ
વળાંક લેતી નદી વહે છે : એ જ વળાંકે ન્હાતી નાર
પરણ્યો એનો નીરખે એને : મળતી નજરો ઘી-ની ધાર
મથું ભૂલવા, નથી ભૂલાતું : મને બોલાવે દઈને નામ
ચૉરે બેસી વાતો કરતું : ડાહ્યું-ડમરું પાલ્લા ગામ.
~ મણિલાલ હ. પટેલ
કવિનું આ અપ્રકાશિત કાવ્ય. ‘કાવ્યવિશ્વ’ પ્રત્યે એમનો પ્રેમને નતમસ્તકે વંદુ છું.
કવિ મણિલાલ હ. પટેલના રોમેરોમમાં ગામડું ભર્યું છે. એમની કવિતા ‘ગામ જવાની હઠ છોડી દે’ અને બીજી અનેક કવિતાઓ એનું પ્રમાણ છે. અહીં પણ ગામડાની વાત છે, પોતાના ગામની વાત છે પણ આ ગામ કવિનું પોતાનું અને કવિની કલ્પનાનું છે, ગામમાં બંનેનો સમન્વય સધાયો છે. ડુંગર, ખેતર, સીમ, મકાઇ, ગામનો ચોરો, નદી અને એના વળાંકો, એમાં નહાતી નાર અને એને નિરખતો રંગીલો ભરથાર આ બધું આંખ સામે જાણે ચિતરાતું જાય છે ! ગામનું વર્ણન છે ને આખું ગામ એમાં જીવંત રીતે વણાયેલું છે.
કવિનો આજે જન્મદિવસ. એમને સ્નેહભરી શુભેચ્છાઓ અને પ્રેમભર્યા પ્રણામ.
પ્રતિભાવો