પદ આદિ લઘુકાવ્યો : ઉમાશંકર જોશી * Umashankar Joshi
પદ આદિ લઘુકાવ્યો – ઉમાશંકર જોશી
આપણી ભાષાઓમાં પદ શબ્દ કાવ્યના અમુક ખાસ પ્રકારનો નિર્દેશ કરવા માટે વપરાયો છે. મીરાંના પદ, ભાલણનાં પદ, ધીરાનાં પદ,દયારામના પદ, એ જ પ્રમાણે વ્રજમાં સુરદાસનાં પદ, અવધીમાં તુલસીદાસના પદ, બંગાલીમાં ચંડીદાસના પદ જાણીતાં છે. નાના ટૂંકા ગેય કાવ્યો પદો કહેવાય છે.
કાવ્યના બધા પ્રકારોમાં આ પદનો કાવ્યપ્રકાર દરેક સાહિત્યના આરંભકાળમાં સૌથી વધુ આગળ પડતો હોય છે અને વધુ ખેડાયો હોય છે, અને એ સ્વાભાવિક છે. કવિઓ ભાવના ઊભરાઓને શબ્દમાં આકાર આપવા માટે કે પદનો જન્મ થાય. કવિતા રચવાનો પ્રયત્ન કરવા માંડતાં જ કુદરતી રીતે આ પદનો પ્રકાર પ્રથમ ખેડાવા માંડે. પદ્યમાં સહજ રીતે, સરળ રીતે, લાગણીના જે ઉદ્ગારો નીકળે તે બધા પદો જ બની રહે, કાઈ વાદ્ય સાથે અથવા નૃત્યના તાલ સાથે એ ગવાતાં હોય એટલે સુગેય પણ હોય. અત્યારની પરિભાષામાં કહેવું હોય તો પદો એ ગેય ઊર્મિકાવ્યો – ઊર્મિંગીતો – છે.
બધા ભાષાસાહિત્યોના આરંભકાળમાં સર્વપ્રથમ આવાં ઊર્મિગીતો એટલે કે પદો જ ઘણુંખરું મળશે. એ પ્રેમનાં હશે, પ્રકૃતિ સૌંદર્યના હશે, જીવનના ઉલ્લાસ કે હાસનાં હશે, મૃત્યુનાં હશે, અગમનિગમનાં હશે. આપણી ભાષા વિશે એક ખાસ હકીકત લક્ષમાં લેવા જેવી છે. આપણા દેશમાં જે સમયમાં ભક્તિનું મોજુ ચારે તરફ ફરી વળ્યું હતું, દેશની દોદળી બનેલી ધાર્મિકતા અન્ય ધર્મોના ધસારા સામે સ્વરક્ષણ અર્થે ભક્તિને એક તરણેાપાય લેખીને વળગી પડી હતી, એ સમયમાં આપણા દેશની – ઉત્તર હિંદની – આધુનિક ભાષાઓને જન્મ અને વિકાસ થયો છે. આનું એક સ્વાભાવિક પરિણામ એ આવ્યું કે આપણી ભાષાના આરંભનું પદસાહિત્ય મુખ્યત્વે ધર્મવિષયક છે. પ્રેમ, પ્રકૃતિસૌંદર્ય, જીવનોલ્લાસ, મૃત્યુ, અગમ નિગમ એમ બધાને જ વિશે પદો લખાયાં હોય એવું આપણી ભાષાઓનાં પદ અંગે જોવા મળતું નથી, પણ કેવળ ધર્મના વિષયનાં જ પદો ઘણુંખરું મળે છે. ધર્મને આ રીતનું પ્રાધાન્ય આપણી ભાષાઓના ઊગમથી માંડીને છેક અંગ્રેજોના આગમન સુધીના આખાય કાળમાં મળ્યું છે. એ આખાય કાળનાં નરસિંહ, મીરાં, ભાલ, ધીરા, ભોજો, રામકૃષ્ણ, રઘુનાથ, રાજે, શાંતિદાસ, દયારામ — એ સૌ કવિઓનાં ટ્રંકાં કાવ્યો એ મુખ્યત્વે ધર્મવિષયક પદો જ છે.
ભક્તિનો રંગ
આ ધર્મવિષયક પદસાહિત્યમાં ભક્તિ એ સૌથી મુખ્ય પ્રેરણા છે. નરસિંહ ગાય છેઃ
પ્રાતઃ સમે સૂર ઊગ્યા પહેલાં, જો રે રસના મુખ રામ કહે;
હાં રે હાં રે કૃષ્ણને તું ભજ નામે; જગમાં તારું નામ રહે.
વચ્ચે એક વસ્તુ સ્પષ્ટ કરી લઈએ. નરસિંહે સવાલાખ પદે રચ્યાં હતાં. એમ કહેવાય છે – એના નામનાં પદો મોટી સંખ્યામાં મળે પણ છે, પણ તે ઉપરાંત ‘ નરસિંહનાં પ્રભાતિયાં’ પણ પ્રસિદ્ધ છે. પ્રભાતિયાં એટલે પ્રભાતમાં ગાવાનાં ભક્તિ અને જ્ઞાનનાં કાવ્યો. એ સારી રીતે ગવાય એવાં છે, એટલે એ બધાં પ્રભાતિયાં પદનો જ એક પ્રકાર છે. પ્રભાતિયાંમાં આપણને ભક્તિ ઉપરાંત જ્ઞાનની ઝલક પણ જોવા મળે છે.
જાગીને જોઉં તા જગત દીસે નહિ,
ઊંઘમાં અટપટા ભાગ ભાસે;
.. બ્રહ્મ લટકાં કર બ્રહ્મ પાસે.
નાનકડાં મધુર પદેા સામાન્ય રીતે સારા કવિના હાથમાં લલિત કૃતિ તો જરૂર બની રહે. પણ નરસિંહ આપણા એક એવા કવિ છે જેનાં પદ – ઊર્મિકાવ્યો સહેજમાં ભવ્યતા(Sublimity )ની મુદ્રા ધારણ કરે છે. પદની અર્ધીક પક્તિમાં પણ એ ભવ્યસુંદર ચિત્ર રમતાં મૂકી શકે છે. પરમતત્ત્વનું માપ બુદ્ધિ પામી શકતી નથી, આ અનંત ઉત્સવમાં ભૂલી પડ્યા જેવી બની રહે છે, એનું ચિત્ર સુરેખ છેઃ
પદો દ્વારા બોધ પણ પીરસાતો હોય છે. સાચા કવિના હાથમાં એવાં બોધપ્રધાન પદેામાં પણ સર્જકસૌંદર્ય પ્રગટ થાય છે, પણ સામાન્ય રીતે એવાં બોધનાં પદો કવિતા તરીકે નમાલાં હોય છે. મીરાં ‘દીવા કરે ’ એ પદમાં બોધ આપે છે પણ એની પાછળ કેવી આરજૂ છે ! એના અવાજમાં કેવી સચ્ચાઈ છે!
તમે જાણી લો સમુદ્ર સરીખા મારા વીરા રે,
આ દિલ તો ખોલીને દીવા કરો હો જી… .
અને પછી તરત જ એ એવાં ચિત્ર રજૂ કરે છે કે શુષ્ક બોધને બદલે આપણને આશ્રર્યમુગ્ધ બનાવતી અવળવાણીના આનંદ મળે છે.
આ રે કાયામાં છે વાડીઓ રે હો જી, માંહે મોર કરે છે ઝીંગારા રે.
આ રે કાયામાં છે સરવર રે હો જી, માંહે હંસ તે કરે છે કલ્લોલા રે…
પ્રકૃતિસૌંદર્યનાં પદો
પ્રકૃતિસૌંદર્યનાં સ્વતંત્ર પદો – ઊર્મિકાવ્યો ભલે ન હેાય, પણ રાધાકૃષ્ણની વાતોમાં, કૃષ્ણ ગેાકુળથી મથુરા વિદાય થયા પછી રાધા અને સૌ ગોપીઓએ વિરહના બાર મહિના કેવા વિતાવ્યા તેના વર્ણનમાં કુદરતના સૌંદર્યની ઝલક ઊતરે એ સ્વાભાવિક છે. ભક્તિની ભૂમિકા ઉપર રહીને પણ કવિઓએ પ્રકૃતિસૌંદર્યનો પોતે જે કેફ અનુભવ્યો છે તે પોતાનાં પદોમાં મબલકપણે ગાયો છે. મીરાં ગાય છે
બોલે ઝીણા મેાર,
રાધે તારા ડુંગરિયા પર ખેાલે ઝીણા માર
એ મોર હી બોલે, બપૈયા હી બોલે, કોયલ કરે કલશોર
ઝરમર ઝરમર મેહુલા વરસે, ભીંજે મારા સાળુડાની કોર.
કેવું સુરેખ પ્રકૃતિચિત્ર છે ! રાધાને સંબોધન કર્યું છે એટલું જ અને અંતે ‘બાઈ મીરાં કે પ્રભુ ગિરધરના ગુણ, પ્રભુજી મારા ચિતડાનો ચોર’ એમ કહ્યું છે, પણ ઉઠાવ તો પ્રકૃતિસૌંદર્યને જ મળ્યો છે. પદકવિઓએ ભક્તિની ફ્રેમમાં પ્રકૃતિચિત્રોને મઢયા છે એટલું જ.
પદ અને આખ્યાનકવિતા
મીઠાએ મોરલીની અસરના પ્રસંગ પદમાં આલેખ્યા છે. એ રીતે કોઈક વાર નાનકડા પદમાં એક આખું કથાનક કવિ રજૂ કરી દેતા હોય છે. ભાલણનું સ્મિતમધુર પદ ‘રામ અને નાવિક ’ એનું સુંદર ઉદાહરણ છે. નાવિકને રામના ચરણ ધોવાની તક લેવી છે, પણ તે એણે વી રીતે મેળવી એની હાસ્યરસિક કથા કવિ નિરૂપે છે. નાવિક બધાંને સંભળાવે છે કે સીને પેાતે હૈાડીમાં બેસવા દેશે, માત્ર એક રામ સિવાય. એ રામના ચરણની રજ શલ્યાને અડતાંવેત તેની અહલ્યા થઈ ગઈ હતી. એની ચરણરજથી પેાતાની હોડી જો સ્ત્રી બની જાય, તો પેાતાને બે પત્નીઓનું પોષણ કરવાવારો આવે અને આજિવિકાનું સાધન હોડી તે તો પેાતે ગુમાવી બેઠો હેાય. માત્ર બાર પંક્તિમાં કથાનક સુરેખ રજૂ થયું છે. શરૂઆત જુઓ,
નાવિક વળતા બોલિયા, સાંભળ મારા સ્વામ;
સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારુ રામ…..
એ હકીકત ખાસ નોંધપાત્ર છે કે પદ જે ઊર્મિકાવ્યના પ્રકાર હતા તેને ઉપયેાગ કથાકાવ્ય તરીકે થવા માંડ્યો એવું આવા દાખલાઓ દ્વારા જોવા મળે છે. ખાસ કરીને રામનું બાળપણ કૃષ્ણનું બાળપણ એ આવાં નાનાં નાનાં પ્રસંગાત્મક પદો દ્વારા ગાવું શકય બન્યું અને આખ્યાનકવિતાની એ રીતે શરૂઆત થઈ. ભાલણ કવિએ દશમસ્કંધ પદોમાં લખ્યા છે. સળંગ આખ્યાનરૂપે બાણની કાદંબરીનો અનુવાદ પણ ભાલણે આપ્યો છે. પ્રેમાનંદમાં આખ્યાનકવિતા પરાકાષ્ઠાએ પહેાંચી. પણ પ્રેમાનંદની છેલ્લી કૃતિ છે, દશમસ્કંધ – જેમાં આખા આખ્યાનને નાના નાના પ્રસંગો નિરૂપતાં ભાવસભર પદોમાં રજૂ કરવામાં આવ્યું છે. પદમાંથી વિકાસ પામીને આખ્યાનકવિતા ફરી પાછી પદમાં આવીને વિરમી છે. પ્રેમાનંદના દશમસ્કંધ પછી ઉત્તમ આપ્યાન આપણને કોઈ કવિ પાસેથી મળ્યું નથી, પદકવિતા મળી છે. ભાલણે પદોમાં લખેલા દશમસ્કંધ અને પ્રેમાનન્દે પદ્યમાં લખેલા દશમસ્કંધ વચ્ચે ગુજરાતી આખ્યાનકવિતાના ઊગમ, વિકાસ અને સિદ્ધિનો ઇતિહાસ સમાયેલા છે.
આ રીતે જોતાં પદસાહિત્ય એ આપણી ગુજરાતી કવિતામાં કેવું મહત્ત્વનું સ્થાન ધરાવે છે તેનો કાંઈક પરિચય થશે.
કટાક્ષના પદ
સાહિત્ય મુખ્યત્વે ધર્મવિષયક છે, પણ એનો અર્થ એ નથી કે ધાર્મિકતાને નામે સમાજમાં વેવલાઈ કે દંભ કે સત્તાખોરી જોવા મળ્યાં હોય ત્યારે કોઈ કોઈ કવિઓએ એને ઉઘાડાં પાડ્યાં નથી. દયારામ જેવાં મૃદુલલિત કવિનાં પદોમાં પણ ‘વૈષ્ણવ નથી થયો તું !’ જેવા અકળામણના અને ‘કામદામ ચટકી નથી છટકી ‘ એવા પ્રહાર કરતા ઉદગારો મળે છે !
કટાક્ષની તીખી સણસણતી વાણી ધીરાનાં પદોમાં સાંભળવા મળે છે. અખાના છપ્પામાં જે તીક્ષ્ણ કટાક્ષ છે તેની યાદ આપે એવાં એ પદો છે. ધીરાના નીચેના ઉદગારો જાણે આજની પરિસ્થિતિ જોઇને પૂણ્યપ્રકોપ ઠાલવતાં કોઈ અતિઆધુનિક કવિના ન હોય !—
વાડા વાળીને બેઠો રે, ઉપાય ઉદય ભરવાને,
નવા ખેલ ઉઠાવે રે, ઉપાય ઉદર ભરવાને
અબંધ સ્વારી બંધમાં ના’વે, મુને વાઘનો વાડો દેખાડો
દયારામ પછી – અર્વાચીન સમયમાં પણ પદો લખાતાં રહ્યાં છે. નર્મદે તો આરંભ જ પદથી કર્યો હતો. બલવંતરાય, રામનારાયણ પાઠક આદિના સંગ્રહોમાં પણ પદો જોવા મળશે.
(શૈલી અને સ્વરૂપ – ઉમાશંકર જોશી પુસ્તકમાંથી)
મૂળ પોસ્ટીંગ 13.5.2022
પ્રતિભાવો