તાન્કા : રમેશ આચાર્ય * Ramesh Aacharya

તાન્કાના તાણાવાણા ~ રમેશ આચાર્ય

૫, ૭, ૫, ૭, ૭, અક્ષરો/શ્રુતિઓની પાંચ પંક્તિઓ અને કુલ ૩૧ અક્ષરો/શ્રુતિઓ તે તાન્કાનું બાહ્ય સ્વરૂપ છે. તે ઉર્મિકાવ્યના પ્રકારમાં ગણાય છે અને તેમાં માનવનાં હૃદય સંવેદનોને સાદી સરળ ભાષામાં અભિવ્યક્ત કરવામાં આવે છે. શબ્દાળુતા અને અલંકાર-પ્રધાન શૈલીને અહીં સ્થાન નથી. ૩૧ અક્ષરોની સ્વરૂપગત ચુસ્તીને લીધે તે શક્ય પણ નથી. પ્રકૃતિનાં વિવિધ ચિત્રો રજૂ કરી કવિ ચમત્કૃતિ સાધે છે, તો ક્યારેક સીધું ભાવ-કથન પણ કરે છે. તાન્કામાંનાં આ ચિત્રો કેવળ ચિત્રો જ ન રહેતાં કશીક વ્યંજના લઈને આવે છે. સાદી સરળ અભિવ્યક્તિ અને વ્યંજના સભરતાને લીધે તાન્કા કોશિયોથી માંડીને કોશકાર સુધીના સર્વેને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે.

તાન્કાના સ્વરૂપ અંગેની ઉપર્યુક્ત સમજણ ગુજરાતીમાં તેના ખેડાણે વધુ વિશદ બની છે. તેમાં સર્જક અનુભવ પણ ભળ્યો છે. એટલે સિદ્ધાંત અને સર્જનમાંથી જે કશુંક નીપજી આવ્યું છે, સ્ફૂટ થયું છે, સ્પષ્ટ થયું છે, તેને અહીં સંક્ષેપમાં નિરુપવાનો ઉપક્રમ છે.

હાઈકુ કરતાં તાન્કા કાવ્યસ્વરૂપમાં વિશેષ ક્ષમતા છે. હાઈકુનો ઝબકાર એ આગિયાના ઝબકાર જેવો છે, તો તાન્કા  એથી વિશેષ ઝબકારની સર્જક પાસે અપેક્ષા રાખે છે અને ભાવક ચેતનામાં પણ વિશેષ ઝબકાર (ભલે ક્યારેક કવિ કરતાં જુદો) કરે છે.

‘‘એક સર્જક તરીકે વિસ્મય પમાડે ને સાથે આનંદ આપે એવું તત્ત્વ શોધી રહ્યા છો” એમ ડૉ. ચંદ્રકાન્ત શેઠે હાઈફન’ના પ્રકાશન પછી મને એક પત્રમાં જણાવ્યું. કોઈપણ સર્જક માટે એ ખરું છે કે એ હંમેશાં વિસ્મય પમાડે અને સાથે આનંદ આપે તેવા તત્ત્વની શોધમાં હોય છે.પ્રકૃતિનાં વિવિધ તત્ત્વોની જેવી લીલા હોય છે તેવી સર્જકની પણ આનંદલીલા હોય છે.તે બધું લીલયા સર્જતો હોય છે. તેને વિસ્મય પમાડનારાં તત્ત્વો નિસર્ગમાં અનેક હોય છે, તેમની લીલા અનેક સ્વરૂપે અહર્નિશ ચાલતી હોય છે, તેમાંની કોઈ લીલાનું ચિત્ર કવિ કેવળ આનંદ ખાતર ઝીલતો હોય છે.

તાન્કા-સર્જનમાં કવિને સ્વરૂપ-ચુસ્તી નડે છે, તેવું શ્રી જયંત કોઠારીને લાગ્યું છે. કોઈપણ કાવ્ય-સ્વરૂપ તેના કવિ સામે તેના સ્વરૂપગત લાભ અને મર્યાદા લઈને આવે છે. જેમ સોનેટકવિને તેનાં સ્વરૂપગત લક્ષણો સારી રીતે સમજી લેવા પડે છે, આત્મસાત કરવા પડે છે, ગઝલકારને ગઝલનાં સ્વરૂપગત રદીફ, કાફિયા, પ્રત્યેક શએરનું શએરગત સ્વાતંત્ર્ય અને ગઝલગત સંકલન સ્વીકારવું પડે છે તેમ તાન્કાના કવિને પણ તેના સ્વરૂપગત બંધનો સ્વીકારવાં જ રહ્યાં. ગઝલ રચાય છે ત્યારે જેમ મત્લાનો અને મક્તાનો શએર અને વચ્ચેના શએર તેમાંનો, વિવિધ સંભાર, ગઝલમાં પ્રયોજાયેલા છંદ સહિત, બધું જ સાથે જ આવે છે તેમ તાન્કામાં પણ તે પણ એક કાવ્ય-સ્વરૂપ હોઈ, તેનું કલ્પન, ભાષા, પ્રાસ આદિ બધું સાથે જ, સાચ્ચે જ રચાઈ આવે છે. રચાયા પછી રાખી મૂકી સમયાંતરે તપાસતા રહેવાથી તેને મઠારી શકાય, પણ પ્રયત્નથી તે લખી ન શકાય. એકત્રીસ અક્ષરોનો જ તેનો અક્ષરબંધ હોવાથી પ્રત્યેક તાન્કા તેના સર્જક માટે એક પડકાર હોય છે. ઓસરીમાં ઘોડા ખેલવવા જેવું આ સાહસ છે.

ડૉ.હરિવલ્લભ ભાયાણી તાન્કા અંતર્ગત લય ખરો કે નહિ તેવો સુંદર અને સમયસરનો પ્રશ્ન છેડતા જણાવે છે કે, “એક કવિની રીતે તમે આ પશ્ન વિચારશો કે ૫,૭,૫,૭,૭, એવા અક્ષરબંધમાં તમને કોઈ આંતરિક લય પ્રતીત થાય છે ખરો ? છંદના સ્વરૂપનો સંબંધ જો તે-તે ભાષાના બંધારણ સાથે હોય તો લય કાં તો તે ભાષાની પરંપરામાં પ્રચલિત કોઈ છંદ પ્રકારમાં પ્રતીત થાય, અથવા તો અછાંદસ લય હોય, (જેમાં અક્ષરસંખ્યાનું ચુસ્ત નિયંત્રણ ન હોય), હાઈકુ માટે પણ આવો પ્રશ્ન થાય પણ રચના કરનારને શું લાગે છે તેનું પણ મહત્ત્વ છે.”

ગીત, ગઝલ, અછાંદસ એમ જે તે કાવ્ય સ્વરૂપને સ્વરૂપગત લય હોય છે. કાવ્યને આવશ્યક અથવા ઉપકારક તત્ત્વોમાં લયનું પણ ચોક્કસ સ્થાન હોય છે, તે સુવિદિત છે. ગીતમાં હોય છે તેવો ને તેટલો લય ગઝલમાં પણ હોવો જોઈએ તેવી અપેક્ષા અસ્થાને છે. ગીતોમાં પણ લાંબાં લયનાં ગીતો અને તેથી ઓછા લયનાં ગીતો હોય છે. ‘લાંબો લય’ કે ‘ટૂંકો લય’ એ શબ્દો પણ સાપેક્ષ છે. ભિન્ન ભિન્ન કવિઓના તેમજ એક જ કવિના ગીતે-ગીતે, ગઝલે-ગઝલે, કાવ્યે-કાવ્યે લયનાં પણ વિવિધ સ્વરૂપ અને પ્રમાણ મોજુદ હોય છે. ક્યારેક કાવ્યમાં તે સ્પષ્ટ અને તેના આગળ પડતા તત્ત્વ તરીકે, આંગળી મૂકીને નિર્દેશી શકાય તેવી સ્પષ્ટ રીતે હોય છે તો ક્યારેક પ્રચ્છન્ન, સૂક્ષ્માતિસૂક્ષ્મ રૂપે હોય છે. હાઈકુની વાત કરીએ તો શ્રી સ્નેહરશ્મિના એક પ્રસિદ્ધ હાઈકુનું ઉદાહરણ આ માટે પર્યાપ્ત થશે :

રાત અંધારી :

તેજ – તરાપે તરે

નગરી નાની

આ હાઈકુમાં, જેમ કોઈ નદીમાં તરાપો રમતો રમતો ગાતો ગાતો જતો હોય, તેને લીધે નદીનાં પાણીની વિવિધ તરંગ લીલા સર્જાતી હોય તે ‘તેજ-તરાપે તરે’ પદાવલિ દ્વારા સુંદર રીતે સર્જાય છે અને આથી એક પ્રકારનો લય ઉદ્દભવે છે, જે આ હાઈકુને ઉઠાવ આપે છે, તાન્કા માટે પણ એજ રીતે કહી શકાય કે તાન્કામાં લય છે. હાથવગું ઉદાહરણ આપું તો મારું એક તાન્કા છે.

ગિરિનગરે

શિયાળાની સવારે

ભારેપગે જે

વાદળી કરગરે

ટેલિફોનના તારે

આ તાન્કામાં ‘ર’ના વિવિધ આવર્તનો અને પ્રાસ, તાન્કા શરુ થયું ત્યાંથી પૂરું થયું ત્યાં સુધીની, ફોદા વગરના સુતર જેવી પદાવલિ, એમાંથી એક સહજ લય નિષ્પન્ન થાય છે. બધાં જ ‘તાન્કા’ ને આ સમાન રીતે લાગુ પડે છે.

તાન્કાની એક સ્વરૂપ તરીકે શક્યતા કેટલી તે વિષે પણ થોડું વિચારીએ. શ્રી રતિલાલ ‘અનિલ’ને આ પ્રકાર “ઓછી શક્યતાવાળો” જણાયો છે. દરેક નવજાત શિશુ અપાર શક્યતાવાળુ હોય છે. નજૂમીઓ તેનું ભવિષ્ય ભાખતા હોય છે, પણ તેમજ બનશે તેમ કોઈ ચોક્કસ રીતે કહી શકતું નથી અને કોઈ તેમ કહે તો પણ ઘણું ખરું તેમ બનતું નથી. બધી પરિસ્થિતિ યથાવત રહે તો આમ અથવા તેમ બનશે એમ આપણે વિજ્ઞાનમાં કહી શકીએ છીએ, કલામાં તેમ કહી શકાતું નથી. ગુજરાતીમાં તાન્કાનું કાવ્ય-સ્વરૂપ હજી નવું છે. ધીમેધીમે વિવિધ અને વિભિન્ન સર્ગશક્તિવાળા કવિઓ તેને અપનાવવા લાગ્યા છે. જેમજેમ તેનું ખેડાણ વધતું જશે, જેમજેમ તાન્કા એક કાવ્ય-સ્વરૂપ તરીકે ખીલતું જશે, તેમતેમ તેનું આંતરિક સ્વરૂપ આપણી સમક્ષ ખુલતું જશે. હજી તો નવોઢાએ તેનો આછો ઘુંઘટ સહેજ ઉંચક્યો છે. પણ તેટલા માત્રથી પણ તેના સૌંદર્યની આપણને પ્રતીતિ થઈ શકી છે.

તાન્કામાં ક્લ્પન કાવ્યાંશ તરીકે આવે છે. આથી તેમાં પુરાણ (Myth), કપોળ કલ્પિત (Fantasy) વગેરે આવી શકે, આવવાં જ જોઈએ. તાન્કાનું સ્વરૂપ જાળવીને ગઝલ લખી શકાય કે નહિ તે તપાસવું પણ રસપ્રદ થઈ પડે. વિવિધ કવિઓ દ્વારા તાન્કાનું ખેડાણ વધતાં ગુજરાતીમાં તાન્કાને અનુરૂપ ભાષા પણ નીપજી આવશે, વિવિધ કવિઓ દ્વારા તે ખેડાતાં તેનાં વિવિધ રૂપો પણ જાણવા માણવા મળશે. કોઈપણ કાવ્યસ્વરૂપનું ભવિષ્ય આખરે તો તેને ખેડનાર કવિઓ પર આધાર રાખે છે. જપાની કાવ્યસાહિત્યનો ઈતિહાસ જોતાં તે સદીઓ સુધી વિકસતું વિલસતું અને વિરમતું જોવા મળે છે એ જોતાં તેની જીવિત રહેવાની શક્તિ (Longevity)સારી જણાય છે. એક કવિ તરીકે તાન્કાના ભવિષ્ય અંગે હું આશાવાદી છું.

તાન્કા, તન્કા, શંકા, તાંકા, એમ આ કાવ્યસ્વરૂપની વિવિધ જોડણી હાલમાં પ્રચલિત છે. કેટલાંક તેને ‘ટાંકા’ તરીકે પણ લમ્બાવે છે ! પણ ત્યારે કોઈ નાના બાળકને ઓપરેશન પછી મોટા ટાંકા લેતું હોય તેમ મને લાગે છે ! જો કે ‘તાન્કા’ એ પ્રમાણે જોડણી સ્થિર થતી જાય છે.

‘હાઈફન’ના પકાશન પછી તાન્કા અંગે અનેક મિત્રો-વડીલો સાથે પત્રવ્યવહાર કરવાનું બન્યું છે. અહીં તો તેમાંના ચાર જ વિદ્વાનો-વડીલોના પત્રોનો ઉલ્લેખ કર્યો છે. તાન્કા અંગેની સમજ એથી કંઈ વિશદ બની આવી છે. એ માટે એ સૌનો આભારી છું.

~ રમેશ આચાર્ય (તા. ૫-૧-૧૯૮૪)

મૂળ પોસ્ટીંગ તા. 18.6.2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: