ગદ્યકાવ્ય : યોસેફ મૅકવાન
ગદ્યકાવ્યનું સ્વરૂપ : યોસેફ મૅકવાન
સાર્થક જોડણીકોશ પ્રમાણે – કાવ્યની શૈલીમાં લખાયેલું ગદ્ય’. ફ્રેન્ચ ભાષામાં 18મી સદીથી ગદ્યકાવ્યનું અસ્તિત્વ આજદિન સુધી ચાલતું રહ્યું છે! ફ્રેન્ચ કવિ બોદલેરના નિધન બાદ એમના પચાસ ગદ્યકાવ્યોનો સંગ્રહ Petits Poemes en Prose’ પ્રગટ થયો હતો. તેમના કવિ મિત્ર આર્નેસ હુસાયને આ ગદ્યકાવ્યોને જગતમાં સ્વાયત્ત – સ્વતંત્ર કાવ્યપ્રકાર તરીકે સ્થાપ્યો. પછી તો પશ્ચિમના સાહિત્યમાં તેનો વિસ્તાર વિકાસ-પ્રસાર થયો. આમ ગદ્યકાવ્ય આંતરરાષ્ટ્રીય કાવ્યસ્વરૂપ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું.
પદ્યમાં કાવ્ય સિદ્ધ થતું હતું, હવે ગદ્યમાં તે સિદ્ધ થવા લાગ્યું. પદ્યમાં તો તેનું બાહ્ય સ્વરૂપ સ્પષ્ટપણે વરતાય છે. ભાવ, અર્થ, વસ્તુવિષય, પદાવલિ, શબ્દસૌંદર્ય, નાદસૌદર્ય, અલંકાર વગેરેથી તેના આકાર-એકતા-આકૃતિ સધાય છે. તેને આંખથી પામી શકાય છે. પઠનથી માણી શકાય છે. મુદ્રણથી જાણી શકાય છે! ગદ્યકાવ્યમાં આવું કોઈ બાહ્ય સ્વરૂપ હોતું નથી. કેવળ તેનું આંતર સ્વરૂપ જ તેનો આધાર અને આકાર હોય છે. તેમાં કોઈ છંદ હોતો નથી, પ્રાસ હોતો નથી, પરંતુ કવિતા સિદ્ધિના સર્વ અંગો હોય છે. તેથી પળેપળે તેમાં નવીનતાનો ધબકાર સંભળાય છે. એ જેમ પમાતું જાય તેમ ભાવક /શ્રોતાના ચિત્તમાં કાવ્યભાવ આકારતું જાય છે. સંવેદનો, ઊર્મિ જગવતું જાય છે. તેમાં તત્કાલ આવતાં પ્રતીકો-કલ્પનો ભાવને એકરૂપ કરે છે. તેમાં અજ્ઞાત મનના આઘાત પ્રત્યાઘાત, સ્વપ્નો, ખ્યાલો, વિચારો વગેરેના ભાવો વાણીના લય, કાકૂઓ, લહેકાથી ઉજાગર કરે છે. એટલે ગદ્યકાવ્યને અછાંદસ કહેવું એ ‘અકાવ્ય’ કહેવા બરાબર છે. યાદ રહે કાવ્ય સાથે માત્ર બે જ શબ્દો ટકશે. કાવ્યમ ગદ્યમ ચ પદ્યમ ચ.’ પહેલો ‘ચ’ એટલે ‘અને’ નો અર્થ સૂચવે છે બીજો ‘ચ’ ચોક્કસપણાનો અર્થ સૂચવે છે એટલે કે પૂર્વસૂરિઓએ આપેલું સૂત્ર આજેય એટલું જ પ્રસ્તુત છે.
કાવ્યને ‘અછાંદસ’ થી ઓળખાવવું એ અજ્ઞાનમૂલક ભ્રમ!
મૂળ પોસ્ટીંગ તા. 25.10.2021
પ્રતિભાવો