કાવ્યાસ્વાદમાં અભિધા-લક્ષણા અને વ્યંજનાનું મહત્વ ~ નવલસિંહ વાઘેલા ભાગ 2  

લક્ષણાથી કાવ્યાસ્વાદન :- ભાગ 2
વ્યવહારમાં આપણે ઘણીવાર મુખ્ય અર્થ કામમાં ન લાગે એવાં વચનો બોલતાં – સાંભળતાં હોઈએ છીએ. જ્યારે શબ્દનો વાચ્યાર્થ એટલે કે શબ્દશ: થતો અર્થ બંધબેસતો ન હોય ત્યારે તે મુખ્યાર્થ સાથે સંબંધિત એવો અન્ય અર્થ લેવામાં આવે છે. જેમ કે –
‘મન ઉપર પથરો મૂકીને એણે દિકરીને વિદાય કરી’ જેવા પ્રયોગોમાં ‘પથરો મૂકીને’ નો યૌગિક અર્થ લઈ શકાશે નહીં, પણ ‘સંયમ રાખીને’ જેવો અર્થ સમજવો પડશે. થોડી સખીઓ રસ્તે ચાલતી જતી હોય ત્યાં એકાદ સખી બોલી ઉઠે કે ‘આઘી જા, સાયકલ આવે છે’ ત્યારે ‘સાયકલ’ સ્વયંભુ નથી આવતી હોતી,પણ સાયકલ ઉપર કોઈ સવાર પણ હોય છે. આમ જ્યારે મુખ્ય અર્થ બંધબેસતો ન હોય ત્યારે જે અન્ય અર્થ ગ્રહણ કરવો પડે એને લક્ષ્યાર્થ કહેવામાં આવે છે.

મમ્મટે લક્ષણાવ્યાપાર માટેની શરતો દર્શાવતા કહ્યું છે કે,
“ મુખ્યાર્થબાધે તધ્યોગે રુઢિતોઅથ પ્રયોજનાત્,
અન્યોઅર્થો લક્ષ્યતે યત્સા લક્ષણારોપિતા ક્રિયા.
 
વિશ્વનાથ કહે છે કે,
“ મુખ્યાર્થબાધે તધ્યુક્તો યયાન્યોઅર્થં પ્રતીયતે,
રુઢે: પ્રયોજનાધ્વાસૌ લક્ષણા શકિતરર્પિતા.
બન્ને આચાર્યો ત્રણ શરતો આપે છે : (૧) મુખ્યાર્થબાધ (૨) તદ્યોગ અને (૩) રૂઢિ અથવા પ્રયોજન.

“ગંગાયાં ઘોષ: કે કુશલ:”નો મુખ્ય અર્થ અનુક્રમે ‘ ગંગા પ્રવાહમાં નેસ ‘ અથવા ‘દર્ભને કાપનાર’ એવો થાય છે. પણ ગંગાના પ્રવાહમાં નેસ રહીં શકે નહિ અને કોઈપણ કાર્યમાં દર્ભને કાપવાનો સંદર્ભ હોઈ શકે નહિ. આથી ‘ગંગા પ્રવાહમાં નેસ’નો અર્થ ‘ગંગાને કાંઠે નેસ’ એવો લઈ શકાય. આવો અર્થ લેવા પાછળનું પ્રયોજન એ છે કે વક્તા તે નેસ ઠંડો અને પવિત્ર છે એમ સૂચવવા માગે છે. વળી, દર્ભનું ઘાસ કાપવામાં એક પ્રકારની સાવધાની અને હોંશિયારી અપેક્ષિત છે. તેથી રૂઢિથી કોઈપણ કાર્યમાં કુશળ વ્યક્તિને “કુશલ” કહેવાની પ્રથા શરૂ થઈ છે.

અન્ય ઉદહરણોમાં ‘સુરત શહેર તાપી ઉપર આવેલું છે’ એમ કહીએ ત્યારે (મુખ્યાર્થબાધથી) ‘તાપીતટે’ એવો અર્થ લેવો પડે છે. ‘મનુ ગધેડો છે’ માં(તદ્યોગથી) બન્નેના ગુણસાર્દશ્યને ધ્યાનમાં લઈએ છીએ. એ જ પ્રમાણે ‘લાવણ્ય’નો મૂળ અર્થ તો ખારાશ, પણ રૂઢિને કારણે સૌંદર્ય એવો અર્થ મળે છે. લક્ષણા શક્તિમાં વ્યંજનાનો અંશ રહેલો છે. દા.ત. ગુજરાતીમાં અનિલ જોષીનું કાવ્ય છે.
‘કેસરિયાળો સાફો ઘરનું ફળીયું લઈને ચાલે.’
અહીં કેસરિયારા સાફાની નજીકનો અર્થ કેસરિયારો સાફો પહેરનાર ‘વરરાજા’ એવો લેવાનો છે. આથી લક્ષણાશક્તિથી કાવ્યાસ્વાદન થાય છે તેમ કહી શકાય.

આવતી કાલે વ્યંજનાથી કાવ્યાસ્વાદન  
પ્રા. નવઘણસિંહ બી. વાઘેલા
(સંસ્કૃત વિભાગાધ્યક્ષ)
શ્રી એન.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, શંખેશ્વર.
તા.સમી, જિ.પાટણ(ઉ.ગુ.) – ૩૮૪૨૪૬

1 Response

  1. વાહ ખુબ માહિતીસભર લેખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: