દર્શક આચાર્ય ~ સૂરજની વાત & એક સપનાની * Darshak Acharya  

સવાર ટાણે

સૂરજની વાત માંડે ઝાકળ સવાર ટાણે,
એથી ઉદાસ લાગે વાદળ સવાર ટાણે.

વ્હેતી નદીનાં સ્વપ્નો જોયાં હશે જો રાતે,
તારીય જાત વ્હેશે ખળખળ સવાર ટાણે.

પુષ્પો સમું તમારું ભીતર પછી ઊઘડશે,
મનની પ્રથમ જો ખોલો સાંકળ સવાર ટાણે.

પંખી ઊડીને આવી બેસી જશે ખભા પર,
વૃક્ષો બની જો કરશો અટકળ સવાર ટાણે.

સૂરજ કિરણમાં ન્હાતા પ્હાડોનાં જોઈ દ્રશ્યો,
આંખો થશે તમારી ઝળહળ સવાર ટાણે.

~ દર્શક આચાર્ય

પુષ્પ સુધીની સફર

એક સપનાની રહી કેવી અસર,
છેક થઈ ગઈ પુષ્પ સુધીની સફર.

હું તને ક્યાંથી મળું એકાંતમાં,
આપણી વચ્ચે વસે આખું નગર.

જીવવાનો અર્થ આવો થાય છે –
પાર કરવાનો સમુંદર મન વગર.

ચિત્ર નક્કી એમણે દોર્યું હશે,
જિંદગી છે એટલે રંગોસભર.

પુષ્પ માફક આ અહીં ખીલ્યા અમે,
મ્હેંક જેવું કોણ પામે શી ખબર !

~ દર્શક આચાર્ય

‘સવાર ટાણે’ રદ્દીફ અને સવાર જેવી ખૂલતી ને ખીલતી ગઝલ. સવારમાં ઝાકળ ઝગમગે અને અજવાળામાં વાદળ ઝાંખા દેખાય એ પ્રકૃતિના પરમ સત્યને શેરમાં કેવું કાવ્યાત્મક રીતે રજૂ કર્યું છે !  મન જે વિચારે, વ્યક્તિ એવી બને એ વાત પછીના લગભગ દરેક શેરમાં અભિપ્રેત છે. કહે છે, બ્રહ્માણ્ડ એક જીન છે. તમે જે બોલો એ માટે ‘તથાસ્તુ’ કહી દે. ત્યાં કોઈ નેગેટીવને અવકાશ નથી એટલે ‘મને ઊંઘ નથી આવતી’ એમ કહો તો પણ ત્યાં તથાસ્તુ થઈ જાય. માટે જે જોઈએ છે એ જ બોલવું ને એ જ વિચારવું. વાતવાતમાં ‘મને કંટાળો આવે છે’ વદતા જીવોએ સાવધાન થઈ જવા જેવું ને? એટલે નદીની જેમ ખળખળ વહેવાની કે પુષ્પની જેમ ઉઘડવાની કે પંખીની જેમ ઊડવાની કલ્પના રોમેરોમને ખીલવી જાય…

6 Responses

  1. વાહ,‌બંને ગઝલ ખૂબ સરસ.

  2. દર્શક આચાર્ય says:

    આભાર લતાબેન, સરસ રીતે બેય ગઝલ ખોલી આપી

  3. બન્ને રચનાઓ ખુબ સરસ

  4. Saryu Parikh says:

    સૂરજ કિરણમાં ન્હાતા પ્હાડોનાં જોઈ દ્રશ્યો,
    આંખો થશે તમારી ઝળહળ સવાર ટાણે.
    સરસ રચનાઓ. સરયૂ પરીખ

  5. ઉમેશ ઉપાધ્યાય says:

    વાહ 👌🏻👌🏻👌🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: