
જાગ્યા પણ ના જાગ્યા
આ કેવી નીંદર જેમાંથી જાગ્યા પણ ના જાગ્યા
આટઆટલું દીધું એણે; તોય અખેવન માગ્યા!
હથેળીઓના દરિયા જેનાં તળ ના લાગ્યાં હાથ
જે મૂક્યું તે ડૂબ્યું એમાં, આ તે કેવી ઘાત!
માયાનાં મોજામાં સૌએ પગ પલાળ્યે રાખ્યા.
આંખો આપી, દૃષ્ટિ દીધી; તોય ન જાણ્યું સત
‘જીવ’માં કોણે પાડ્યા અક્ષર; કોણે લખિયો ખત?
મંદિરિયા પર ‘ધજા’ નામને ફરફરતાં બસ રાખ્યા.
~ જિગર જોષી ‘પ્રેમ’
આખા ગીતમાં ખાલીપણું, નિરાશા છવાયેલા અનુભવાય છે.
ગીતના મુખડામાં ‘અખેવન’ શબ્દ છે જેનો અર્થ છે, ‘સદાય લીલું રહેતું વન’ સૌરાષ્ટ્રમાં ‘અખોવન’ શબ્દ જાણીતો છે જેનો અર્થ થાય છે, એવી સ્ત્રી કે જેના એક પણ સંતાન મર્યા નથી. અહીં અખેવન એ અખોવન હશે એ મારી શરૂઆતની ફિલિંગ અને સ્વાભાવિક છે કે પછી એ પ્રમાણે અર્થ ખૂલતાં જાય. આ સિવાય આ ગીતની કળ મને જડી નહીં. કવિ પોતે સ્પષ્ટતા કરે તો ગીત વધારે ખૂલે.

આમતો કોઈ પણ કવિએ જે અભિવ્યક્ત કર્યું હોય તે ભાવક ન પણ પામી શકે, એના જ ભાવ વિશ્વ પ્રમાણે અર્થ સમજાય. બીજી ગઝલ રચના એ રીતે સરળ છે.