સ્નેહરશ્મિ ~ ત્યજીને ખોળો & કદી મારી પાસે * Snehrashmi

ત્યજીને ખોળો કો ગિરિવરતણો ને વન વનો-
તણાં ગાનો કેરા નિજ લહરમાં ઝીલી પડઘા,

કદી વા ઊંચા કો ખડક કપરા કાળ સરખા,
ગજાવીને દોડે કો તરલ મીઠી કન્યાસમ અને
ઘડીમાં ફેલાતી ઉભય તટપે, ગૌરવભરી
મહારાજ્ઞી જેવી, વહતી સરિતા જેમ ચમકે

સુણીને પ્હેલાં તો રવ ઉદધિનો – કિન્તુ ઉછળી
પછી રે’તી તે જ્યાં જ્યમ ગહનના ભવ્ય સપને,
પ્રભો ! તેવી રીતે કદી સરળ વા કષ્ટ વહતી,
કદી કાન્તારોમાં પરમ સુખના વા ખડક પે
મહા દુઃખો કેરા, ફુદડી ફરતી, જીવન-નદી

સુણે આઘાતે જ્યાં ગહન ગહરો કાળરવ ત્યાં
લખાશે ના ભાગ્યે મિલન-સપનાં તું – ઉદધિનાં ?

~ સ્નેહરશ્મિ

જન્મદિને કવિને સ્મૃતિવંદના

(શિખરિણી)
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો,
રૂપાળાં, ઓજસ્વી, સુરભિ ઝરતાં, હાસ્ય કરતાં,
સજેલાં વા રંગે પુલકિત ઉષા સાન્ધ્ય નભના,
વિખેરી તે માર્ગે તુજ હૃદય આહ્ લાદ ભરતે.

કદી મારી પાસે ઝગમગ થતા હોત હીરલા,
પ્રભાવન્તા, દૈવી, ત્રણ ભુવનના દીપ સરખા,
કરીને ઉમંગે તુજ પથ મહીં રોશની સદા,
ધરી દેતે સર્વે હરખ થકી તારે ચરણ હું.

પરંતુ ભિખારી મુજ ગરીબ પાસે નહીં કશું
– મીઠાં સ્વપ્નાં હૈયે- મુજ ધન- અને થોડી કવિતા !
હું તો વેરું એ સૌ તુજ પથ મહીં વ્હાલ ધરીને,
જરા ધીમે ધીમે પગ તું ધરજે – છે મૃદુલ એ !

~ સ્નેહરશ્મિ

સર્જક સ્નેહરશ્મિનો પરિચય વાંચો

1 Response

  1. ખુબ સરસ રચનાઓ સ્મ્રુતિવંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: