દેવેન્દ્ર દવે ~ ઝડી સંગે ઝીણું

અસલ અમલે (શિખરિણી)

ઝડી સંગે ઝીણું મરમરી ગયું વ્હાલ નભનું !
હવામાં ફૉરાણી મખમલ સમી મ્હેક મધ-શી !
પછી તો પૃથ્વીનું પડ પલળી પોચું થયું જરી,
મયૂરોની કેકા, રજનીભરી દાદુર ડમક્યા !

ઉદાસીનાં ઘેરાં પડળ ખસક્યાં – કૈંક હળવા
મિજાજે માતેલી કુદરત રહી શ્વાસ નરવા
ભરી, લ્યો લીલેરી ખૂબસૂરત ઓઢી ચુનરીને
ધરાને અંગાંગે તૃણ તૃણત રોમાંચ ગરવા !

રહસ્યો આ કેવાં, પ્રહર પૂરવે પ્હાડ-વગડા
ધખેલા, અંઘોળે નભ શત કરે શીતળ કરે !
રહ્યા વાતા શીળા પવન, વન વૃંદાવન બન્યાં !
ઉમંગે ઓચિંતા પલટઈ ગયાં દૃશ્ય સઘળાં !

જુદાઈવેળાના જડ, કુરૂપ ચ્હેરા સજ ધજી
રહ્યા સૌંદર્યોના અસલ અમલે ઘૂંટ ભરવા…

~ દેવેન્દ્ર દવે (6.4.1951)

જન્મદિને વંદના

1 thought on “દેવેન્દ્ર દવે ~ ઝડી સંગે ઝીણું”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *