ગોવિંદ સ્વામી ~ વિશાળ પટ રેતનો

અમૂલ્ય પળ

વિશાળ પટ રેતનો સુભગ રમ્ય ધોળો નર્યો,
સુકાયલ સરિત તણી મધુર સંસ્મૃતિથી ભર્યો;
તટો ઉપર આમ્રકુંજ નવ મંજરી મ્હોરતી,
વસંત મદલોલ કોકિલ—કલોલથી લ્હેરતી.

નિહાળું વહી જાય ઊંટની કતાર લાંબી ક્યહીં,
સુણું ઘૂઘરમાળની રણકતી મીઠી ઘંટડી,
સુદૂર અરવલ્લીનાં શિખર રમ્ય આચ્છાદતી
સુંવાળી કંઈ શ્વેત વાદળની હાર ચાલી જતી.

પ્રભાત ખીલતાં કૂણાં કિરણ અંગ ચૂમી રહ્યાં,
અજાણ સુરભિભરી અનિલ મ્હેક મહેકી વહ્યા,
અમીમય બધું જ, અંતર પ્રમુગ્ધ ન્હાળી રહે.
ત્યજી સકળ,
વર્તમાન મહીં મુક્ત હૈયું વહે.

તુષાર જલબિન્દુશી જીવનપુષ્પને ચૂમતી
લહું ક્ષણ અમૂલ્ય આ અનનુભૂત શાન્તિભરી.

~ ગોવિંદ સ્વામી (6.4.1921 – 5.3.1944)

મુખ્યત્વે સોનેટ અને ગીત (સંપાદક : ઉમાશંકર, સુંદરમ, પ્રજારામ રાવળ) 

મરણોત્તર કાવ્યસંગ્રહ ‘પ્રતિપદા’

@@

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *