કિસન સોસા ‘અનામય’ ~ મારા એકલગાન & ધૂમ્ર વિખરાયો * Kisan Sosa

એકલગાનના ઓરડે

મારા એકલગાનના ઓરડે
તમે આવો અતિથિ આનંદના !

આઘે સુધી અહીં વાતું વેરાન,
એમાં એકલો અટૂલો ખડો
આયુના એકડંડિયા મહેલમાં ઝૂરે
મારા એકલગાનનો આ ઓરડો !
પગરવે પગદંડી લયની જગાવતા
રણકાવતા તોરણિયા છંદના
તમે આવો અતિથિ આનંદના !

ટોડલાએ આંસુના દીવા બળે અને,
ઝુમ્મરમાં ટમકે વિષાદ
આશા અનિમેષ ઊભી છે બારસાખ
બારીએ બેઠી છે યાદ !
લાગણીને લીલેરું લૂંબઝૂંબ લહેરવું ને
રોમ રોમ અભરખા સ્પંદના !
તમે આવો અતિથિ આનંદના !

~ કિસન સોસા (4.4.1939)

પીડાની ધાર સાથે ચાલતું મધુર ભાવનું ગીત

વરસો સુધી

ધૂમ્ર વિખરાયો ન તો ધૂણી ઠરી વરસો સુધી,
નામ એ જલતું રહ્યું બે અક્ષરી વરસો સુધી.

ત્યાં પછી ક્યારેય ના ખીલ્યું એ ચહેરાનું કમળ,
એક ખાલી બારી મેં જોયા કરી વરસો સુધી.

ગોખલે, નળિયે ફફડતા ચોંકતા પંખી સમી,
ઉમ્ર એ માહૌલમાં ઊડતી ફરી વરસો સુધી.

સૂર્ય- સડકે રેબઝેબ રઝળ્યા કર્યો તારો કવિ,
ને તને ના જાણ એની થઈ જરી વરસો સુધી.

ક્યાં અજંપો ઓલવાયો સ્હેજ ક્યાં પલળી તરસ ?
કેટલી પ્યાલી ભરી, ખાલી કરી વરસો સુધી.

ફૂલ-પગલે તું ફરી આવી રહી આ શહેરમાં,
એવી અફવાઓ ઊગી, ખીલી, ખરી વરસો સુધી.

મેઘલી સાંજે હવે આજે અચાનક થઈ સજળ,
પથ્થરી આંખે ન ફૂટ્યું જળ જરી વરસો સુધી.

~ કિસન સોસા

આ રચના પણ એકલતાની ટીસ લઈને અવતર્યું છે…. 

1 Response

  1. બન્ને રચનાઓ ખુબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: