પ્રીતમ લખલાણી ~ આંગણની ડાળમાં & રોજ મારી સાથે * Preetam Lakhalani  

એક પાન લીલું

આંગણની ડાળમાં છે એક પાન લીલું!
અંબરથી ધોધમાર વરસે તે ટહુકાને

તોય હું તો હરખાતી ઝીલું!

ચારેકોર ઊભું છે લીલુંછમ વન
હું તો એકલડું સુક્કું રે ઝાડ!
દૂર દૂરથી મુંને તાકીને સંતાતા

વાદળમાં કેવા પહાડ!
આસપાસમાં અહીં કોઈ નથી બાઈ!

હું તો સપનાં જોઈને રે ખીલું!
અંબરથી ધોધમાર વરસે તે ટહુકાને

તોય હું તો હરખાતી ઝીલું!

ખળખળતા ઝરણાંને કાખમાં લિયે છે રે
અહીં તહીં ઊભું આકાશ!
વૈશાખી વાયરાના વેગીલા તોરમાંથી

ઝંખું હું હરપળ ભીનાશ!
આષાઢી લાગણીના એકાદા વરતારે

જીવતર થઈ જાયે રંગીલું!
અંબરથી ધોધમાર વરસે તે ટહુકાને

તોય હું તો હરખાતી ઝીલું!

~ પ્રીતમ લખલાણી

‘કાવ્યવિશ્વ’માં ‘શેરીથી શેઢા સુધી’નું સ્વાગત છે.

કુલ 96 પાનામાં પથરાયેલ આ સંગ્રહ મજાનાં ગીતોથી છલકાય છે. અભિનંદન અને રાજીપો કવિ !

‘શેરીથી શેઢા સુધી’ * પ્રીતમ લખલાણી * KBooks 2022  

રોજ મારી સાથે

રોજ મારી સાથે દિવસે તું લડી છે,
ને પછી રાતે તું શા માટે રડી છે?

હું ઊભો છું ખીણ ને લ્યો આ શિખર પર,
લોક શોધે ખાઈ કેવી કયાં પડી છે?

દૂર તારાથી ગયો તે બાદ જાણ્યું,
જિંદગી ભરની નિકટતા ક્યાં નડી છે?

રોજ જાગું રાત આખી આભ જોતો,
ચાંદની ગમતી હજી પણ ક્યાં જડી છે?

આભ જોતા લોક બેઠા છે મહેલે!
ચાંદની નજરો કાં તારા પર પડી છે
?

લોક સામે આજ સાચું બોલ ‘પ્રીતમ’,
પૃથ્વી આખી કોની આંખોમાં જડી છે?

~ પ્રીતમ લખલાણી

‘કાવ્યવિશ્વ’માં કવિ પ્રીતમ લખલાણીના કાવ્યસંગ્રહ ‘સાત અક્ષરનું નામ’નું સ્વાગત છે.

96 પાનાંના આ સંગ્રહમાં કવિએ 78 પાનાં સુધી ગઝલ અને પછીથી મુક્તકોની સુગંધ વેરી છે. નાયગ્રાના પાડોશી એવા આ કવિના અંગત સંવેદનો ધોધની જેમ જ વહે છે….

‘સાત અક્ષરનું નામ * પ્રીતમ લખલાણી * KBooks 2022  

6 Responses

  1. ઉમેશ જોષી says:

    કવિ શ્રી ને અભિનંદન..
    સરસ રચનાઓ છે.

  2. સરસ રચનાઓ અભિનંદન

  3. ગીત અને ગઝલ બંને ગમ્યાં.

    • દિલીપ ધોળકિયા,'શ્યામ' says:

      મિત્ર કવિશ્રી પ્રીતમ લખલાણીજીનાં દરેક ગીત અને ગઝલને માણવા એ એક અવસર છે..હાલ તેઓ અમેરિકાથી અમદાવાદ આવ્યા છે..રૂબરૂ મળવાનો અને એમને સાંભળવાનો આનંદ પ્રાપ્ત થયો તે માટે મારી જાતને ધન્ય માનું છું…

  4. Pratap Bhatt says:

    Great Kavi poet, Pritam Lakhlani! His poems ate sweet. Make me equally sweet reminding my village in nostalgic ways

  5. Saryu parikh says:

    પ્રીતમભાઈની સુંદર રચનાઓ ગમી.
    ખળખળતા ઝરણાંને કાખમાં લિયે છે રે
    અહીં તહીં ઊભું આકાશ!…મજાની કલ્પના.
    સરયૂ પરીખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: