તનસુખ ભટ્ટ ‘યાત્રી’ & રાહી ઓધારિયા * Rahi Odhariya* Tansukh Bhatt ‘Yatri’

એવા રે મારગ

ધોળિયું ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરિવરની ટૂંક,
વાયુ રે ઢાળે વનના વીંઝણા, જાવું છે ત્યાં અચૂક
એવા રે મારગ અમે સંચર્યા.

ઊંચે રે મઢીથી ઊંચે મોલથી ઊંચા ત્રોવરથી અપાર
ઊંચે રે ઊભી ડુંગર દેરડી
, વાદળગઢની મોઝાર
એવા રે મારગ અમે સંચર્યા.

ડાબે રે ઊંડી વનની ખીણ છે, જમણે ડુંગરની ભીંત;
કેડી રે વંકાણી વેલી સમી, કપરાં કરવાં ચિત્ત,
એવા રે મારગ અમે સંચર્યા.

પળમાં પડે ને પળમાં ઊપડે, વાદળ પડદા વિશાળ,
પળમાં લોપાતી રે દેરડી, મળતી લેશ ન ભાળ
એવા રે મારગ અમે સંચર્યા.

ખમા રે વાયુ ખમા વાદળાં, ખમા ડુંગરના સ્વામ,
તમ્મારે દરશને ઝંખના, પૂરણ કરજો કામ.
એવા રે મારગ અમે સંચર્યા.

~ તનસુખ ભટ્ટ ‘યાત્રી’ (21.3.1911 – )

કાવ્યસંગ્રહ ‘દાંડિયારાસ’

જન્મદિને કવિને સ્મૃતિવંદના

એક શાર્દૂલ શૃંગાર-ગઝલ

તારી સૌરભ દૂર ક્યાંક પ્રસરી, મ્હેકી ઊઠ્યો હું અહીં;
ત્યાં તારું લયબદ્ધ નર્તન અને ઝૂમી ઊઠયો હું અહીં.

તારા કોમળ કંઠમાં નિવસતી ગાતી રહી કોકિલા
ને એ ગીત તણી ગ્રહી મધુરતા ગુંજી ઊઠ્યો હું અહીં. –

તારી પાછળ આવતી ઉપવને ડોલી વસંતો તણી,
ઝૂલી તું જરી આમ્રના તરુ પરે મોરી ઊઠ્યો હું અહીં.

કાળોભમ્મર કેશ—સ્પર્શ લઈને ઠંડી હવા આવતી,
હૈયે ઠંડક રેશમી અનુભવી લ્હેરી ઊઠ્યો હું અહીં.

મારી પાસ ભલે કદી ન ફરકી તોયે સદા પાસ તું,
પામીને તવ પ્રેરણા કવનમાં કોળી ઊઠ્યો હું અહીં.

~ રાહી ઓધારિયા (21.3.1946)

મૂળ નામ અરવિંદ ઓધારિયા. વતન ભાવનગર

કાવ્યસંગ્રહો : 1. ‘આભ વસ્યું આંખોમાં’, 2. ‘તમે કહો તે’,  3. ‘હમણાં હમણાં’ 

જન્મદિને કવિને સ્મૃતિવંદના

2 Responses

  1. બંને રચનાઓ ખૂબ સરસ.

  2. ખુબ સરસ રચનાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: