પ્રતિષ્ઠા પંડ્યા ~ નથી એમાં ધાણા * Pratishtha Pandya

હાથ

નથી એમાં ધાણા ને હળદરની સુગંધ,
નથી એમની પાસે એ કોમળ, સુંવાળું રેશમી જાજમનું પોત
જેની વચમાં વચમાં ગૂંથ્યા હો ચપ્પાના સુક્કા, કડક ઘાવ
ને છતાંય મને ગમતા એ માણસના હાથ
અદ્દલ મારી માના હાથ જેવા છે.

મારા સૂજી ગયેલા ચહેરાને ઝીલી શકે
એટલી પહોળી હથેળીવાળા
મારી વ્યથિત પીઠને પસવારી શકે
એટલા શાંત.  

ગલગલિયાં કરે એવા રેશમના દોરામાં
વિંટાયેલ કાચપેપર જેવા એ
હળવે હળવે ઘસીને દૂર કરે છે
મારા શરીર પર જામેલી એકલતાને.

એમાંથી ગંધ આવે છે પરસેવાની, સ્યાહીની, પ્રેમની.
એ ઓળખે છે મારો આકાર
એ જાણે છે એમનું સ્થાન
એ વાંચી જાણે છે એમણે ઝાલેલા શરીરનો લય.

એ પામી શકે છે
ડૂસકાં ને નિસાસાની ભાતમાં
થતો ઝીણામાં ઝીણો ફેરફાર.

એમને આવડે છે
કીમતી વસ્તુઓને ઝાલતાં,
ચાહતાં, જતી કરતાં.

મને ગમતા એ માણસના હાથ
અદ્દલ મારી માના હાથ જેવા છે,
એમનામાં વેદનાની ભરતીઓને
કાબૂમાં કરવાની એક જાદુઈ શક્તિ છે.

~ પ્રતિષ્ઠા પંડ્યા

હાથના પ્રતિકથી એક વ્યક્તિના સર્વાંગસંપૂર્ણ સ્નેહને કવિએ કેટલી ઊંચાઈ આપી !

વિશ્વવિદિત છે કે મા તો હોય છે જ ત્યાં!

4 Responses

  1. ‘માણસ’ કહી ને કવયત્રિએ જૂદા સંદર્ભો વિચારી શકાય અને માણી શકાય એ મોકળાશ આપીને કમાલ કરી છે.

  2. ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી" says:

    વાહ,
    કમાલની કવિતા.

  3. વાહ ખુબ સરસ

  4. શ્વેતા તલાટી says:

    ખૂબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: