સોનલ પરીખ ~ ક્યારેક તને & ઇચ્છાઓની જાળ * Sonal Parikh

હું ને મારી હોડી

ઇચ્છાઓની જાળ, જાળમાં હું ને મારી હોડી
સપનાંઓના સઢ ફુલાવી આ કાંઠેથી છોડી

વચમાં જળની પાળ કાંગરે ચમકે સો-સો છીપ
ખોબે ખોબે ઝલકે મોતી જેમ ગભારે દીપ
અડકું તો ઝાકળ થઈ જળની સાથે જાતી દોડી

ઝલમલ ઝિલમિલ લહેરો તડકો નાચે તાતા થૈ
કયા દેશથી કિરણો આવે ચમકે ક્યાં ક્યાં જઈ
વહેતી જાતી હેમની ધારા ક્ષિતિજને ઝબકોળી

~ સોનલ પરીખ

મનમાં ઉઠતાં તરંગોનું સાક્ષીભાવે દર્શન! આ પણ કેટલું જરૂરી છે! એની પાછળ વહેવાથી કાં સુખમાં કાં દુખમાં સપડાઈ જવાય છે ! વળી એ જ સુખ ક્યારેક દુખ બની જાય અને દુખ પલટાય સુખમાં….. અંતહીન અવસ્થા….. ત્યારે સાક્ષીભાવ જીવનમાં એક નિર્ણાયક પરિબળ બની જાય છે.  

મન થાય

ક્યારેક
તને બધી રીતે બાંધી લેવાની ઇચ્છા થાય
ક્યારેક મન થાય
તને દરેક રીતે મુક્ત રાખવાનું

ક્યારેક
મને બધી રીતે બંધાઈ જવાની ઇચ્છા થાય
ક્યારેક મન થાય
દરેક રીતે મુક્ત રહેવાનું

બાંધવા-બંધાવાની ઇચ્છા પાછળ
પડછાયો છે એક અસલામતીનો….

મુક્ત રાખવા-રહેવાની પાછળ ડોકાય છે
એક બીજી અસલામતી….

મારું સત્ય
આ બે કિનારાની વચ્ચે
ક્યાં છે ? ~ સોનલ પરીખ

જીવન પ્રત્યે દૃષ્ટિપાત કરતાં એક પછી એક સવાલો આવે અને સામે મળી જતા એના જવાબો પણ ખરા જ ! તો સમસ્યા ક્યાં છે? કેમ કે એ જવાબોથી પૂર્ણવિરામ નથી આવતું, મુશ્કેલી ત્યાં છે એટલે અંતિમ સત્યની શોધ ચાલુ જ છે…… કદાચ ચાલ્યા કરે જીવનભર……

5 Responses

  1. બન્ને રચનાઓ ખુબ સરસ

  2. ખૂબ સરસ અછાંદસ અભિવ્યક્તિ.

  3. Jyoti hirani says:

    સોનલ પરીખ ની બંને રચના ઓ બહુ જ સરસ,અને આસ્વાદ પણ

  4. હરીશ દાસાણી.મુંબઈ says:

    ગીત વધારે ગમ્યું. અછાંદસ રચના કદાચ નિબંધ તરીકે વધારે વિકસિત થઈ શકે.

  5. Minal Oza says:

    આશાસ્પદ કવિયત્રી. અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: