પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’ ~ ઓણ સાલ * Pratapsinh Dabhi
ગીત
ઓણ સાલ ડાંગરમાં આવ્યો સૂકારો ને જીવતર પણ સૂકાયું સાવ
હાથ પીળા કરવાના ધાર્યા’તા નાનકીના, સપનું યે રોળાયું સાવ.
આવી ઊભો રે’શે વીરજી લવાણો ને માંગવાનો બાકી જે નામું,
આપ્યા—મૂક્યાની ક્યાં વાત હવે કરવાની? મારું તો આભે સરનામું,
ઇયળની દવા મને આવી“તી કામમાં, આયખુંય ટૂંકાયું સાવ
ઓણ સાલ ડાંગરમાં આવ્યો સૂકારોને જીવતર પણ સૂકાયું સાવ.
ખેતરની બાજુનાં નાનાં કોતરડાંને ખોદી વધાર્યા’તા ચાસ,
ગૌચર જે આખુંયે બેઠો દબાવી એ સરપંચે મારી’તી ફાંસ,
નીચેની કોરટમાં કેસ હવે લડવાનું, કોરાણે મૂકાયું સાવ.
ઓણ સાલ ડાંગરમાં આવ્યો સૂકારો ને જીવતર પણ સૂકાયું સાવ.
મેતરાણી ભેગો હું બેઠો છું ઉપર ને નીચે ત્યાં નાનકી ફસાઈ,
નાનકીનો કાકો ને ભાઈ મારો વાલજી તો અદ્દલ છે કાળો કસાઈ,
રૂપિયા લઈ રોકડાને દીકરીને વેચી છે, મોત મારું વેચાયું સાવ.
ઓણ સાલ ડાંગરમાં આવ્યો સુકારો ને જીવતર પણ સૂકાયું સાવ.
~ પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’
ચારેબાજુથી પડેલી વિપતમાં પીસાતા ખેડૂતની હૃદયદ્રાવક કથની. સચ્ચાઈનો આયનો.
ખૂબ ખૂબ સરસ ગીત રચના છે.
ખૂબ જ સરસ ગીત.
હૃદયની વ્યથા વ્યક્ત કરતું ગીત પરિવેશને વાચા આપી શક્યું છે. એને અનુરૂપ ભાષાશૈલી ગીતને સફળ બનાવે છે.
ખુબ સરસ ગીત
આ કવિ સંવેદન ભરીને પાછો હોંકારો પણ કરી જાણે છે. ગીતોમાં ગ્રામ્યપરિવેશ વધુ જોવા મળે છે. ભાલનો રણકો જ જુદો છે.
સર્વત્ર આવકાર પામેલ મારા આ ગીતને આવા સન્માનજનક પ્લેટફૉર્મ પર સમાવવા બદલ ખૂબ ખૂબ આભાર
सरस
ખુબ સુંદર રચના
વેધક