પ્રિયકાન્ત મણિયાર ~ આછી જાગી & અમે તો * Priyakant Maniyar

આછી જાગી સવાર

આછી જાગી સવાર,
નીંદરની મધુકુંજ થકી ને સ્વપ્નલોકની પાર.

આછી જાગી સવાર
પારિજાતના ઝરણે ન્હાઈ
કોમલ એની કાય,
વ્યોમ આયને જેની છાઈ
રંગ રંગની ઝાંય;
ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર
આછી જાગી સવાર

ભુવનભુવનના ઉજ્જવળ રવિની
બિન્દી અહો લગાવી,
દિશા દિશાના મુખરિત કવિની
વાણી રહી વધાવી;
રંગમન્દિરે જાવા જાણે સજી રહી સિંગાર
આછી જાગી સવાર

~ પ્રિયકાન્ત મણિયાર (24.1.1927 – 25.6.1976)

@@

ક્ષણની સળી

અમે તો ગીત ગાનારા, પ્રીત પાનારા
સાવ છલોછલ જઈએ ઢળી, 
પૂછીએ નહીં, ગાછીએ નહીં  મનમાં જઈએ ઢળી,
કોઈના મનમાં જઈએ મળી..

આંખને મારગ અંદર જઈએ, ટેરવે કરીએ વાત,
સળગે સૂરજ આજ ભલેને નિતની શરદ રાત,
અમારે નિતની શરદ રાત,
આટલા ધગે તારલા એ તો વણ ખીલેલી મોગરકળી.

સાગરના એ ક્ષારથી છૂટા – આભથી અંતરિયાળ,
જલને વહેવું હોય તો પછી ક્યાંકથી મળે ઢાળ,
કાળની કંકુશીશી એમાં ચાંલ્લો કરવા ક્ષણની સળી,
અમે ક્ષણની સળી.

~ પ્રિયકાન્ત મણિયાર

@@

4 Responses

  1. ઉમેશ જોષી says:

    આછી જાગી સવાર અને ક્ષણની સળી…
    સ…….રસ રચના…

  2. મજાના કાવ્યો

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    પ્રિયકાન્ત મણિયારની નાજુક નમણી રચનાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: