રામકાવ્ય ~ રાકેશ સાગર & ડૉ. પરેશ કળસરિયા * Rakesh Sagar * Paresh Kalsaria

પેઢીથી એક નામ ચાલે છે,
શ્વાસની સાથે રામ ચાલે છે.

એક મનમાં બીજું અયોધ્યામાં,
રામલલ્લાનું કામ ચાલે છે.

વિશ્વ માનવ વિરાટના પગલે,
શ્હેર શેરીને ગામ ચાલે છે.

છોડી દીધું શ્રી રામનાં નામે,
મન ઉપર ક્યાં લગામ ચાલે છે.

હાથમાં ફરતી રામની માળા,
ભીતરે ચારધામ ચાલે  છે.

પ્રાર્થના, બંદગી,  દુવા કરજો,
મુક્તિ માટે તમામ ચાલે  છે.

ભક્તિ રસનો તું જામ પી સાગર,
આજીવન એનો ચામ ચાલે છે.

~ રાકેશ સાગર

કણ-કણને થઈ ગઈ છે ખબર, રામ આવશે
શબરી બની ગઈ છે નજર, રામ આવશે

વનવાસ આ અવધનો હવે પૂર્ણ થઈ ગયો
બનશે ફરી એ રામનું ઘર, રામ આવશે

ગંગાને જેમ લાવ્યા ભગીરથ ધરા ઉપર
શ્રદ્ધામાં હોય એવી અસર, રામ આવશે

આંસુથી પગ પખાળવા કેવટ સમી છે હઠ;
આંખોની નાવે કરવા સફર, રામ આવશે

ભૂલ્યા સ્વયંની શક્તિ હનુમાન જેમ જે
પરખાવવા એ સૌનું હુનર, રામ આવશે

વીંધાઈ ગઈ છે નાભિ રઘુવીર-તીરથી
રાવણને પણ બધે જ નજર રામ આવશે

હૈયું હરખથી ઘેલું થયું છે હવે ‘પરેશ’
હા, રામ આવશે સિયાવર રામ આવશે

~ ડૉ. પરેશ કળસરિયા

6 Responses

  1. રાકેશ says:

    જય શ્રી રામ

  2. ઉમેશ જોષી says:

    રાકેશ સાગર,
    ડૉ.પરેશ કળસરિયા,
    ને
    જય શ્રી રામ…

  3. જય સિયારામ

  4. વાહ, ખૂબ સરસ રચનાઓ, જય સીયારામ.

  5. Minal Oza says:

    સરસ રચનાઓ

  6. ઉમેશ ઉપાધ્યાય says:

    રાકેશભાઈ તથા પરેશભાઈ બન્ને રચના ખુબ સરસ છે 👌🏽👌🏽👌🏽👍🏼👍🏼👍🏼

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: